Surat News: સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂરની સ્થિતિ અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ અર્થે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય દિશામાં પગલાં ભરવામાં આવી રહ્યા છે અને શહેરમાં ચોમાસામાં પૂરની સ્થિતિ નિવારવા ખાડીઓને ઊંડી અને પહોળી કરવાની કામગીરી પ્રગતિમાં છે. તેવું સુરતની મુલાકાતે આવેલા જળસંપતિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે મીડિયાકર્મીઓ સાથે સંવાદ દરમિયાન જણાવ્યું હતું.
રાજ્યમંત્રીએ શું કહ્યું?
મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, સુરત શહેરમાંથી પસાર થતી પાંચ જેટલી ખાડીઓના પાણીના કારણે ચોમાસામાં ખાડી આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે. આ સમસ્યાના ઉકેલ માટે મીઠી ખાડીને 110 મીટર જેટલી પહોળી અને ઊંડી કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. મનપા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તથા મનપા હદ બહારના વિસ્તારોમાં સિંચાઈ વિભાગની મશીનરી દ્વારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
મિટીંગ અને સ્થળ નિરીક્ષણ કરાયું
વધુમાં જણાવ્યું હતું કે, ગયા સપ્તાહે ગાંધીનગર ખાતે રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ તેમજ શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચોમાસા પહેલાં હાથ ધરવાના કામો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં આજે પદાધિકારી-અધિકારીઓની આંતરિક મિટિંગ અને સ્થળ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
સુરત શહેરના નાગરિકોને રાહત
આગામી ચોમાસા માટેના એક્શન પ્લાન અંગે સ્પષ્ટતા કરતાં ઉમેર્યું હતું કે, ખાડીઓને ઊંડી અને પહોળી કરવાની સાથે સાથે તેમાંથી નીકળતી માટી અને કાંપ (સિલ્ટ)ને સંપૂર્ણપણે બહાર કાઢીને સાફસફાઈ, ડિસિલ્ટિંગ કરવામાં આવી રહી છે, જેથી ચોમાસામાં માટી ફરીથી ખાડીમાં ધસી ન પડે અને પાણીનો નિકાલ યોગ્ય રીતે થઈ શકે. ચોમાસુ શરૂ થાય તે પહેલાં જ આ તમામ કામગીરી પૂર્ણ કરી લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે, જેથી સુરત શહેરના નાગરિકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળી રહે.
