Surat: આજના સમયમાં યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવા રીલ્સના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે, તેનું જીવંત ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું છે. સુરત જિલ્લાના કિમ રેલ્વે ઓવરબ્રિજ પરથી રીલ બનાવતી વખતે એક યુવક અંદાજિત 40 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયો હતો. જો કે સદનસીબે નીચે રિક્ષા ઊભી હોવાથી તે રિક્ષા પર પડતા યુવકનો આબાદ બચાવ થયો હતો.
મૂળ બિહારનો વતની 21 વર્ષીય મોનુ નામનો યુવક હાલમાં કોસંબા ખાતે નોકરી કરે છે. સોમવારે મોનું તેના મિત્ર સાથે કિમ રેલવે ઓવરબ્રિજ પર પહોંચ્યો હતો જ્યાં બંને મિત્રો રીલ બનાવવા માટે બ્રિજ પરના પીલર પર ચડી ગયા હતા.
આ દરમ્યાન મોનુએ એક પીલર પરથી સામેના બીજા પિલર પર ફિલ્મી સ્ટાઇલમાં કૂદકો મારીને જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બંને પીલર વચ્ચે લાંબો ગેપ હોવાના કારણે મોનુ અંદાજિત 40 ફૂટની ઊંચાઈએથી સીધો નીચે પટકાયો હતો
યુવક નીચે પટકાયો, ત્યારે ત્યાં નીચે બે રિક્ષા ઉભી હતી. આથી મોનું રિક્ષા પર પડતા તેનો બચાવ થયો હતો. આ ઘટનાને લઈને ત્યાં લોકો પણ તેની મદદ માટે દોડી આવ્યા હતા. જો કે રીક્ષા પર પડતા યુવકને કોઈ ગંભીર ઇજાઓ થઈ ન હતી.
બીજી તરફ પોલીસને જાણ કરવામાં આવતા કિમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકને પોલીસ મથકે લઈ ગયા બાદ તેને નજીકની હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ જરૂરી સૂચના આપી જવા દીધો હતો
યુવક રીક્ષા પર પડવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં યુવક ઉપરથી સીધો નીચે રિક્ષા પર પડતો દેખાય છે અને ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં સદનસીબે યુવકને કોઈ ગંભીર ઇજા થઈ ન હતી પરંતુ રિક્ષાને નુકશાન થયું હતું.
