Surat: બારડોલીમાં બેકાબુ બનેલું બાઈક ધડાકાભેર બળદગાડા સાથે ભટકાયું, નીચે પટકાયેલા યુવકનું કમકમાટીભર્યું મોત

નજીકમાંથી પસાર થતી અર્ટીગા કારના ચાલકે અચાનક ટર્ન લેતા પાછળ આવેલ બાઈકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો અને બળદગાડામાં ઘૂસી ગયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Feb 2026 07:30 PM (IST)Updated: Fri, 20 Feb 2026 07:30 PM (IST)
surat-news-young-man-dies-after-bike-collides-with-bullock-cart-near-baben-in-bardoli
HIGHLIGHTS
  • એક યુવકને નાક અને જડબામાં ફ્રેક્ચર થયું

Surat: બારડોલી તાલુકાના બાબેન ગામ નજીક અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં બેકાબુ બાઈક ધડાકાભેર સામેથી આવતા બળદગાડા સાથે ભટકાયું હતુ. આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા બે મિત્રો પૈકી એકનું સુરતની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેનગામ સ્થિત ઓમ રેસીડેન્સીમાં રહેતો કલ્પેશ દગડુ સોનવણે (25) પોતાના મિત્ર વરૂન વામન પવાર (22) સાથે બાઈક પર મોતાથી બારડોલી જઈ રહ્યો હતો.

કલ્પેશનું બાઈક બાબેન જીન પેટ્રોલપંપની સામેથી પસાર થઇ રહ્યું હતુ, ત્યારે નજીકમાંથી જઈ રહેલી અર્ટીગા કાર ચાલકે અચાનક જમણી બાજુ ટર્ન લઈને બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક ચાલક કલ્પેશે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતુ. બેકાબુ બનેલુ બાઈક સામેથી શેરડી ભરીને જતાં બળદના ગાડા સાથે ધડાકાભેર ભટકાયું હતુ.

આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદ બંને મિત્રોને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં કલ્પેશને નાક અને જબડામાં ફેકચર થયું હોવાનું નિદાન થયું હતું. જયારે વરૂનને માથામાં ગંભીર ઈજાઓ થઇ હોય તેને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ મામલે કલ્પેશ સોનવણેએ કાર ચાલક સામે બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઈ શકાય છે કે બળદગાડામાં સામેથી આવતી બાઈક ધડાકાભેર અથડાય છે. જે જોતા જ રુંવાડા ઉભા થઈ જાય તેમ છે. વરૂનના મોતને લઈને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.