'વેશ્યાવૃતિ સમાજ સેવા છે..' અભિનેત્રી મોના થીબાનું નિવેદન ખોડલધામના ટ્રસ્ટીએ વખોડ્યું, કહ્યું- 'મહિલાઓનું અપમાન ના કરો, માફી માંગો'

એક મહિલા તરીકે તમારા મોંઢે આવું નિવેદન શોભતું નથી. તમારે શરમાવવું જોઈએ: ખોડલધામ ટ્રસ્ટી જેની ઠુમ્મર

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 20 Feb 2026 06:59 PM (IST)Updated: Fri, 20 Feb 2026 07:08 PM (IST)
rajkot-news-khodaldham-trustee-slams-mona-thiba-over-prostitution-remark-during-film-shakti-promotion
HIGHLIGHTS
  • રાજકોટમાં ફિલ્મ 'શક્તિ'ના પ્રમોશન દરમિયાન મોના થીબાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ
  • વેશ્યાવૃતિ ના હોત તો આજે કેટલી બહેન-દીકરીઓ પર બળાત્કાર થતા હોત: મોના થીબા

Rajkot: ગુજરાતી ફિલ્મની જાણીતી અભિનેત્રી મોના થીબા (Mona Thiba) પોતાની અપકમિંગ ફિલ્મ 'શક્તિ'ના (Film Shakti) પ્રમોશન માટે રાજકોટ આવી હતી. જ્યાં અભિનેત્રીએ વેશ્યાવૃતિને (Prostitution)સમાજ સેવા ગણાવતા વિવાદ સર્જાયો છે. જેને લઈને ખોડલધામના ટ્રસ્ટી અને કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે મોના થીબાની ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.

વેશ્યાવૃતિ ના હોત તો કેટલીય બહેન-દીકરીઓ પર બળાત્કાર થતાં હોત
હકીકતમાં આગામી 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી ફિલ્મ 'શક્તિ' રિલીઝ થવા જઈ રહી છે. વેશ્યાવૃતિ જેવા વિષય પર આધારિત આ ફિલ્મના પ્રમોશન માટે મોના થીબા સહિતની સ્ટારકાસ્ટ આજે રાજકોટની મહેમાન બની હતી. આ તકે મોના થીબાએ વેશ્યાવૃતિને સમાજ સેવા ગણાવી જણાવ્યું કે, જે સ્ત્રીઓ વેશ્યાવૃતિ કરે છે, તેઓ પણ એક રીતે સમાજની સેવા જ કરી રહી છે.

આજે જો વેશ્યાવૃતિ ના હોત તો કેટલીય બહેન-દીકરીઓ પર બળાત્કાર થયા હોત. આમ વેશ્યાવૃતિ પણ એક સમાજ સેવા જ છે. અમે આવી સ્ત્રીઓના દુઃખ, વેદના અને તેમની એવી કંઈ મજબૂરી હતી, તે વાતને લઈને આવ્યા છીએ. વેશ્યાવૃતિ પર આધારિત હોવા છતાં અમારી ફિલ્મ પરિવાર સાથે બેસીને નિહાળી શકાય તેવી છે.

મોના થીબાએ જાહેરમાં માફી માંગવી જોઈએ
વેશ્યાવૃતિને લઈને અભિનેત્રીના નિવેદનને ખોડલધામના ટ્રસ્ટી અને કોંગ્રેસ નેતા જેની ઠુમ્મરે વખોડ્યું હતુ. આ સાથે જ તેમણે અભિનેત્રીને આડેહાથ લેતા જણાવ્યું કે, તમારા પતિ અને સસરા ધારાસભ્ય રહી ચૂક્યા છે. તમારો પરિવાર જાહેર જીવન સાથે સંકળાયેલો છે અને તમે કહો છો કે, વેશ્યાવૃતિ સમાજ સેવા છે. એક મહિલા તરીકે તમારે આવા નિવેદન માટે શરમાવું જોઈએ.

તમે ઘણાં લાંબા સમય બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પુનરાગમન કર્યું છે, તેના માટે અભિનંદન. જો તમે ફિલ્મના પ્રમોશન માટે આવું નિવેદન કર્યું હોય, તો દુર્ભાગ્યપૂર્ણ છે. તમારે આવી રીતે મહિલાઓનું અપમાન ના કરવું જોઈએ.

આજે કેટલી બધી સામાજિક સંસ્થાઓ મહિલાઓને વેશ્યાવૃતિમાંથી બહાર કાઢવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે, જેથી તેમનું સામાજિક સ્તર ઊંચુ આવે. એવામાં તમે વેશ્યાવૃતિ સમાજ સેવા છે, તેવું નિવેદન આપી રહ્યા છો, તો તમારે જાહેરમાં મીડિયાના માધ્યમથી માફી માંગવી જોઈએ. તમારા મોંઢે આવું નિવેદન શોભતું નથી.