સુરતના મીડિએશન સેન્ટરમાં સમાધાનને બદલે સંગ્રામઃ વિફરેલી પત્નીએ પરિવારજનોની હાજરીમાં પતિને મુક્કો મારી લોહીલુહાણ કરી નાંખ્યો

મીડિએશન સેન્ટરમાં સમાધાનની વાતાચીત દરમિયાન આર્થિક વ્યવહારની શરતોને લઈને પતિ-પત્ની હાથાપાઈ પર ઉતરી આવતા પોલીસ બોલાવાઈ. આખરે બન્ને છૂટાછેડાનો નિર્ણય લીધો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Mar 2026 08:08 PM (IST)Updated: Sat, 14 Mar 2026 08:08 PM (IST)
surat-news-wife-punches-husband-during-mediation-at-family-court-couple-finally-decides-divorce
HIGHLIGHTS
  • ડીંડોલીના દંપતી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો
  • પત્નીએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો હતો

Surat: શહેરના મીડિએશન સેન્ટરમાં સમાધાન માટે આવેલા દંપતિ વચ્ચે આર્થિક બાબતોને લઈને ફરીથી માથાકૂટ થતાં ઉગ્ર ઝઘડો થયો હતો. આ દરમિયાન ઉશ્કેરાયેલી પત્નીએ પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં જ પતિને મુક્કો મારીને લોહી-લુહાણ કરી નાંખ્યો હતો.

ડીંડોલીના દંપતી વચ્ચે ડખ્ખાને પગલે મામલો કોર્ટમાં પહોંચ્યો

શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક દંપતી વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. જેમાં પત્નીએ પતિ વિરુદ્ધ ફેમિલી કોર્ટમાં ઘરેલું હિંસા (Domestic Violence Act) હેઠળ કેસ દાખલ કર્યો હતો. જો કે વકીલો તેમજ સમાજ અગ્રણીઓની મધ્યસ્થીના કારણે સમાધાનના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા.

આ કેસમાં લોકઅદાલતમાં સમાધાન કરવાનું હતું. જેને લઈને આ સમગ્ર મેટરને મીડિએશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. મીડિએશન સેન્ટરમાં બંને પક્ષો અને તેમના પરિવારજનોની હાજરીમાં સમાધાનની વાતચીત ચાલી રહી હતી. એવામાં આર્થિક વ્યવહારની વાતો અને શરતોને લઈને વાતાવરણ ગરમાયું હતું.

આ દરમિયાન વિફરેલી પત્નીએ અચાનક જ પતિના મોઢા પર જોરદાર મુક્કો મારી દીધો હતો. આ હુમલાના કારણે પતિને ગંભીર ઈજા થઈ હતી અને મોંઢામાંથી લોહી નીકળ્યું હતું. જેથી ઉશ્કેરાયેલા પતિએ પણ પત્ની સાથે હાથાપાઈ કરતા સ્થિતિ તંગ બની ગઈ હતી અને પોલીસ બોલાવવાની નોબત આવી હતી.

જો કે વાત વણસે અને નવી પોલીસ ફરિયાદ નોંધાય તે પહેલાં મીડિએટરે સ્થિતિ સંભાળી લીધી હતી. તેમણે બંને પક્ષોને સમજાવ્યા હતા આશ્ચર્યજનક રીતે, મીડિએટરની સમજાવટ બાદ બંને પક્ષો શાંત થયા હતા અને તાજેતરની મારામારી તેમજ જૂના તમામ વિવાદો ભૂલી જવા સંમત થયા હતા.

લાંબી ચર્ચા અને વિવાદના અંતે દંપતીએ એકબીજા સાથે રહેવાને બદલે સમજદારીથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. મીડિએશન સેન્ટરમાં જ આ કેસનો આખરી નિકાલ કરી બંને અલગ પડ્યા હતા.