Surat: શહેરની સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દર્દીઓની વેદના અને એમ્બ્યુલન્સના સાયરનથી ગાજતી હોય છે, પરંતુ ત્યાં ગઈકાલે પ્રણય ત્રિકોણના કારણે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ટ્રોમા સેન્ટરના પેસેજમાં વર્ગ-4ની બે મહિલા કર્મચારીઓ એક જ યુવક માટે સામસામે આવી ગઈ હતી અને એકબીજાના ચોટલા પકડી બાખડી પડી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર નજીક એક મહિલા કર્મચારી પોતાના ખાસ મિત્ર સાથે ફોન પર વાત કરવામાં મશગૂલ હતી. આ સમયે ત્યાંથી પસાર થતી તેની જ સાથી કર્મચારીને શંકા ગઈ હતી.
આથી તેણે ખાતરી કરવા માટે એજ યુવકને ફોન જોડ્યો, પરંતુ ફોન 'વેઈટિંગ'માં આવતા તેની શંકા પાકી થઈ ગઈ કે, સહકર્મચારી મહિલા પણ તેજ યુવક સાથે વાત કરી રહી છે.
જેને પગલે બંને મહિલાઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન એક મહિલાએ બીજીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો અને કોલ લોગ ચેક કરતા સ્પષ્ટ થઈ ગયું કે, બન્ને એક જ વ્યક્તિ સાથે વાત કરતી હતી. આખરે મામલે બિચકતા હાથાપાઈમાં ફેરવાઈ ગયો હતો અને રોષે ભરાયેલી મહિલાઓએ એકબીજાને હોસ્પિટલની લોબીમાં પછાડી હતી.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ચર્ચાતી વાતો મુજબ, જે યુવક માટે આ બંને મહિલાઓ બાખડી પડી છે, તે એક કોન્ટ્રાક્ટર હોવાનું મનાય છે. દર્દીઓની સારવારમાં વ્યસ્ત રહેતા ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પણ થોડીવાર માટે આ 'લાઈવ તમાશો' જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. અંતે સિક્યુરિટી ગાર્ડ અને અન્ય કર્મચારીઓએ વચ્ચે પડીને બંનેને મહામુસીબતે છોડાવ્યા હતા. (Pic Source: AI)
