Patan: આંતરજ્ઞાતિય લગ્ન કરનાર જાણીતી લોકગાયિકા કિંજલ રબારી (Kinjal Rabari) આખરે બન્ને સમાજના આગેવાનોની સમજાવટને અંતે પોતાના ઘરે પરત ફરી છે. એવામાં રબારી સમાજના આગેવાન ઠાકરશી રબારી સમાજની એકતાને બિરદાવી હતી. આ સાથે જ દરેક દીકરીઓને મા-બાપની આબરુનો વિચાર કરવા માટે વિનંતી કરી હતી.
કિંજલ રબારીએ પરિવારનો પ્રેમ સ્વીકાર્યો, તે રબારી સમાજની એકતાની જીત (Kinjal Rabari Marriage Row)
આ અંગે મીડિયા સાથે વાતચીત કરતાં ઠાકરસી રબારીએ જણાવ્યું કે, કિંજલ રબારીના આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પોરબંદરથી પાલનપુર અને નડાબેટથી નવસારી સુધીના સમગ્ર ગુજરાત તેમજ રાજસ્થાનનો અમારો માલધારી સમાજ એક તાંતણે બંધાયો અને સામાજિક એકતાના દર્શન કરાયા.
આજે કિંજલ રબારી પોતાના સમાજને સમજી અને ટૂંકા ગાળાના પ્રેમને છોડીને મા-બાપના ઘરે પરત ફરી છે. કિંજલ રબારીને ભોળવવામાં આવી હતી, પરંતુ તેને સમાજની કિંમત સજાઈ અને જાતે જ પરત ફરવાનો નિર્ણય લીધો. રબારી સમાજના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે કે, સમાજના પ્રેમને સમજીને આ દીકરી આખરે ઘરે પરત ફરી. આ રબારી સમાજની જીત થઈ છે.
જેની દીકરી ભાગે, તેનો પરિવાર જીવવાને લાયક રહેતો નથી
જ્યારે મને કિંજલ રબારીના પ્રેમલગ્નની ખબર પડી, ત્યારે હું તેના ઘરે ગયો ત્યારે પરિવારના બધા સભ્યો રડતા હતા. પરિવારની વ્યથાને નિહાળીને મારી આંખમાં પણ આંસુ આવી ગયા હતા. જ્યારે કોઈની દીકરી જાય, ત્યારે તેની વેદના તો તેનો બાપ જ સમજી શકે.
આ સાથે જ ઠાકરસી રબારીએ ભીની આંખે દરેક સમાજની દીકરીઓને વિનંતી કરી કે, જ્યારે દીકરીનો જન્મ થાય, ત્યારે દરેક માતા લક્ષ્મી રૂપે દરેક માતા-પિતા રાજી થતા હોય છે અને તેમનો લાડકોડથી ઉછેર કરતાં હોય છે. આવી દીકરીઓએ પોતાના મા-બાપ દુખી થાય તેવી કોઈ વ્યક્તિ સાથે લગ્ન ના કરવા જોઈએ.
ઘણાં પરિવાર જોયા છે, જેમની દીકરી ભાગી ગયા બાદ પરત ના ફરે, ત્યારે બાપાએ આપઘાત કર્યો હોય. સમાજમાં આવો પરિવાર જીવવાને લાયક રહેતો નથી. માત્ર અમારા જ નહીં અન્ય સમાજમાં પણ આવા બનાવો કલંક સમાન છે.
'મને અને પતિને પરિવારથી જીવનું જોખમ'- કિંજલ રબારીએ વીડિયો મૂકતા સમાજમાં રોષ
જણાવી દઈએ કે, પાટણના સીનાડ ગામની લોકગાયિકા કિંજલ રબારીએ અશોક ચૌધરી નામના યુવક સાથે ભાગીને લગ્ન કર્યાં હતા. જે બાદ રબારી સમાજમાં ઉહાપોહ થતાં કિંજલે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને જણાવ્યું હતું કે, મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે. જો મને કે મારા પતિને કંઈ થયું તો તેના માટે મારો પરિવાર જવાબદાર રહેશે. આ સાથે જ કિંજલે હર્ષ સંઘવી અને શંકર ચૌધરી પાસે સુરક્ષા માંગી હતી.
બીજી તરફ આ વીડિયોને પગલે રબારી સમાજમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કિંજલ રબારીને અનફૉલો કરવા માટે લોકોને જણાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ. જો કે બન્ને સમાજના આગેવાનોની સમજાવટના અંતે કિંજલ રબારી અને અશોક ચૌધરી પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા છે.
