Surat: વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાના સમયમાં દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા અને વિદેશી હૂંડિયામણની બચત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા 'રાષ્ટ્ર પ્રથમ, સુવિધા કરતાં કર્તવ્ય મહાન' ના મંત્રને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સહર્ષ સ્વીકારીને એક પ્રેરણાદાયી પહેલ કરી છે.
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા એક સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તમામ શૈક્ષણિક ભવનો, વહીવટી કર્મચારીઓ, સંલગ્ન કોલેજોના આચાર્યો અને વિદ્યાર્થીઓને દેશહિતના આ અભિયાનમાં સ્વૈચ્છિક રીતે જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ પરિપત્રમાં યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓને સ્વૈચ્છિક અમલ કરવા અપીલ કરી છે. પરિપત્રમાં પરિવહન ક્ષેત્રે મોટા ફેરફાર લાવવા પર ભાર મૂક્યો છે.
સમય અને ઉર્જાનો બચાવ થાય તે માટે વર્ચ્યુઅલ મિટિંગનો આગ્રહ કરાયો
આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્યથી કોલેજ કે યુનિવર્સિટી આવવા-જવા માટે વ્યક્તિગત વાહનોને બદલે જાહેર પરિવહન, કાર-પૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો મહતમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જેથી આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી શકાય.
આ ઉપરાંત સમય અને ઉર્જાનો બચાવ થાય તે હેતુથી જ્યાં પણ શક્ય હોય ત્યાં (ખાસ કરીને વહીવટી અને સંશોધન પરામર્શ માટે) વર્ચ્યુઅલ મિટિંગનો આગ્રહ રાખવા અપીલ કરવામાં આવી છે.
સ્થાનિક અર્થતંત્રને વેગ આપવા માટે યુનિવર્સિટીએ 'વોકલ ફોર લોકલ' ના મંત્રને પ્રાધાન્ય આપ્યું છે. રોજીંદા જીવનમાં અને કેમ્પસમાં સ્થાનિક ચીજવસ્તુઓની ખરીદીને જ પ્રાધાન્ય આપવા અપીલ કરી છે.
આ ઉપરાંત ગ્રામીણ પુષ્ઠભૂમિ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ અને NSS/NCCના યુવાનો ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા અને સજીવ ખેતી તરફ વળવા જાગૃત કરે તેવી પરિપત્રમાં અપીલ કરવામાં આવી છે.
