Surat: સુરત જિલ્લામાં માંગરોળ-નરોલી પાટિયા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બ્રિજ પરથી ટ્રક કીમ નદીના પટમાં પડ્યો હતો, આ ઘટનામાં ડ્રાઈવર ક્લીનરને ઈજા થઇ હતી જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરત જિલ્લામાં માંગરોળ-નરોલી પાટિયા નજીક નેશનલ હાઇવે 48 પર આવેલા ઊંચા બેરલ બ્રિજ પરથી એક ટ્રક પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક સેફટી વોલ તોડીને આશરે 25 થી 30 ફૂટની ઊંચાઇએથી કીમ નદીના પટમાં ખાબક્યો હતો.
આ અકસ્માતની ઘટનામાં ટ્રકને ભારે નુકશાન પહોચ્યું હતું. ટ્રકમાં ડ્રાઈવર અને ક્લીનર સવાર હતા જેઓને ઈજા થતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સદનસીબે ટ્રક નદીના ઊંડા વહેણવાળા પાણીમાં પડવાને બદલે કિનારે સૂકા પટમાં પડ્યો હતો, જેના કારણે બંનેના પ્રાણ બચી ગયા હતા.
આ અકસ્માત અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી, જો કે અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી શકી નથી, ડ્રાઇવર ભાનમાં આવ્યા બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે. અકસ્માતની ઘટનાને લઈને ત્યાં લોકો પણ એકઠા થઇ ગયા હતા અને થોડા સમય માટે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.
