Surat: ટ્રાફિક પોલીસે જપ્ત કરેલા વાહનો RTOની બોગસ રશીદથી છોડાવવાના રેકેટનો પર્દાફાશ, રિક્ષા લેવા આવેલા 3 સામે ફરિયાદ

ઓટો રિક્ષાની રજુ થયેલ RTOમાં દંડ ભરેલ સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરતાં કોઇ વિગતો ખુલી નહતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 21 Feb 2025 05:48 PM (IST)Updated: Fri, 21 Feb 2025 05:48 PM (IST)
surat-news-traffic-police-busted-racket-of-releasing-seized-vehicles-from-rtos-bogus-rashid
HIGHLIGHTS
  • છેલ્લા 1 વર્ષમાં 29 વાહનો બોગસ રસીદથી છોડાવી ગયા

Surat: સુરતમાં RTOમાં દંડ ભર્યા અંગેની બોગસ રસીદો બનાવીને ટ્રાફિક પોલીસે જપ્ત લીધેલા વાહનો છોડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરથાણા ખાતેના ટ્રાફિકના ગોડાઉન પર દંડની ડુપ્લિકેટ રસીદ બતાવીને વાહનો છોડાવી જવાનું રેકેટ ખુલ્યું છે. 3 યુવકો રિક્ષા છોડાવવા ગયા, ત્યારે પોલીસે રિક્ષાના માલિકને બોલાવવાની વાત કરી હતી. એટલું જ નહિ RTOમાં દંડ ભરેલી રસીદ પર શંકા લાગી હતી. આથી તેઓ રસીદના QR કોડ સ્કેન કરતા સ્લિપ જોઇ શકાતી ન હતી. રિક્ષા છોડાવવા આવેલા 3 શખ્સો ત્યાંથી ગાયબ થયા હતા. જે બાદ ટ્રાફિકના પોલીસકર્મીએ છેલ્લા 1 વર્ષમાં RTOમાં દંડ ભરેલી સ્લિપની તપાસ કરાવી હતી. જેમાં 29 વાહનો બોગસ રસીદથી છોડાવી ગયા હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, સુરત શહેરમાં ટ્રાફિક રીજીયન-1 વિસ્તારમાં એમ.વી.એક્ટ કલમ 207 મુજબ જમા થતા વાહનો સરથાણા વિસ્તારમાં આવેલ ટ્રાફિક ગોડાઉન ખાતે રાખવામાં આવે છે, જેની નિયત રજીસ્ટરોમાં નોંધ કરવામાં આવે છે. જ્યારે વાહન માલિકો દ્વારા RTO અથવા નામદાર કોર્ટમાં કે સક્ષમ ટ્રાફિક અધિકારી સમક્ષ યોગ્ય સમાધાન શુલ્ક/દંડ ભરી આવે તે અંગેની પહોંચ રજૂ કરેથી માલિકી અંગેના દસ્તાવેજો ચેક કરી જે-તે રજીસ્ટરમાં નોંધ કરી વાહન છોડાવી જનારની સહી કરાવી વાહન પરત આપવાનું હોય છે.

ગત 9 જાન્યુઆરીના રોજ અનાર્મ લોકરક્ષક જીગ્નેગીરી જગદિશગીરી સરથાણા ગોડાઉન ખાતે ફરજ ઉપર હાજર હતા, ત્યારે એક ઓટો રીક્ષા છોડાવવા માટે ત્રણ ઇસમો સાથે આવ્યા હતા, જેઓએ પોતાનું નામ (1) વિશાલ (2) ક્રિષ્ના અને (3) સુનિલ હોવાનું જણાવ્યું હતું. જે પૈકી વિશાલે RTOમા દંડ ભર્યાની સ્લીપ રજુ કરી હતી અને લોક રક્ષકે તેઓની પાસે રિક્ષાના માલિક તરીકે સાબિતી માટે RC બુક તથા આઇ.ડી પ્રુફની માંગણી કરતાં તેઓએ રજુ કરેલા RC બુક તથા આધાર કાર્ડ જોતા ઓટો રીક્ષાના માલિક બીજા હોવાનું જણાયું હતું.

આથી તેઓને રિક્ષા આપી નહતી અને રિક્ષા માલિકને રિક્ષા છોડાવવા આવવા માટે જણાવ્યું હતું અને ત્રણે ઇસમોની વર્તણુંક બાબતે શંકા જતાં અનાર્મ લોક રક્ષક જીગ્નેગીરી જગદિશગીરીએ તેઓની રીતે અંગત જાણકારી મેળવતાં જાણવા મળેલ કે, RTOમાં દંડ ભર્યા અંગેની અસલ રસીદ હોય તો, રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરવામાં આવે તો RTO ના રેકોર્ડ ઉપર ડિજીટલ સ્લીપ જોઇ શકાતી હોય છે.

જે મુજબ તેઓએ ઓટો રિક્ષાની રજુ થયેલ RTOમાં દંડ ભરેલ સ્લીપ રસીદ ઉપર આપવામાં આવેલ QR કોડ સ્કેન કરતાં કોઇ વિગતો ખુલી નહતી જેથી તેઓએ અન્ય એક ટુ વ્હિલરની રસીદની ઉપર આવેલ QR કોડ સ્કેન કરતાં તુરંત જ અંદર રસીદની વિગતો વાળી ડિજિટલ રસીદ જોવા મળેલ જેથી રીક્ષાના આર.ટી.ઓ. દંડ ભર્યા બાબતે વધુ ખરાઈ કરવા ગોડાઉનના મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ જમાં લેવામાં આવેલ અને છૂટી ગયેલ વાહનો સંબધે રજુ થયેલ RTO દંડ ભર્યા અંગેની રસીદો ઉપર આવેલ OR કોડ સ્કેન કરતા અન્ય 29 જેટલા અલગ-અલગ વાહન ચાલકો દ્વારા રજુ કરેલ RTO દંડ ભર્યા અંગેની રસીદોના QR કોડ સ્કેન કરતાં ડિજીટલ રસીદ ખુલી ના હતી.

આ અંગે પીઆઈ સી.એસ.ધોળકિયાને જાણ કરતા તેમણે તે બાબતે સુરત RTO માં તપાસ કરાવતાં RTO ના રેકોર્ડમાં આ પ્રકારનો કોઇ દંડ ભરાયેલ ન હોવાનું તથા આ રસીદો RTO સુરત તરફથી ઇશ્યુ થયેલ ન હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી ગઇ તા 09/01/2025 ના રોજ અને તે પહેલાના એકાદ વર્ષના સમયગાળા દરમ્યાન રીક્ષા છોડાવવા આવેલ (1) વિશાલ, (2) ક્રિષ્ના તથા (3)સુનીલ તથા અન્ય બીજા કુલ્લે- 29 વાહનોના માલિકો અથવા કબ્જેદારોએ અલગ-અલગ સમયે સુરત શહેર ટ્રાફિક રીજીયન-1 વિસ્તારમાંથી M.V.ACT-207 મુજબ જમાં લેવામાં આવેલ વાહનો પોતાના અગંત આર્થિક ફાયદા/ લાભ માટે સુરત RTO કચેરીના અધિકારીની બોગસ સહી સિક્કાવાળી રસીદો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકારી તીજોરીને નુકસાન પહોંચાડી, સરથાણા ટ્રાફિક ગોડાઉન ખાતેથી વાહનો છોડાવી ગયેલ હોય. જે બાબતે અનામ લોકરક્ષક જીગ્નેગીરી જગદિશગીરીએ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની ફરીયાદ આપતાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

સુરત શહેર ટ્રાફિક પોલીસે જપ્ત કરેલા વાહનો RTOમાં દંડ ભર્યાની બોગસ સ્લીપ રજુ કરી છોડાવવાનું કૌભાંડ માત્ર રિજિયન 1 નહી ટ્રાફિક શાખાના અન્ય ત્રણ રિજિયન 2 ,3,4 માં પણ આચરીને વાહન છોડાવ્યા હોવાની આશંકા છે જેથી ટ્રાફિક પોલીસે અન્ય રીજીયનમાં પણ આ કૌભાંડના આધારે વાહન છોડાવ્યા છે કે નહી તેની તપાસ શરુ કરી છે.

એસીપી એ.એમ. પરમાર એ જણાવ્યું હતું કે સુરત શહેર ટ્રાફિક રીઝયન વિસ્તાર-01માંથી મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ જે વાહનો જમા થાય તે સરથાણા સ્થિત ગોડાઉનમાં રાખવામાં આવે છે અને RTOમાં દંડ ભરે અને એની રસીદ રજુ કરે ત્યારે આ વાહનો છુટા કરવામાં આવતા હોય છે ત્યારે એક રીક્ષા હતી અને ત્રણ ઈસમો RTOની રસીદ સાથે રીક્ષા છોડાવવા માટે આવ્યા હતા પરંતુ તેના માલિક સાથે આવ્યા ના હતા જેથી ફરજ પરના અનાર્મ જીગ્નેશ ગીરીએ માલિકને મોકલવા માટે જણાવ્યું હતું અને આ લોકો રસીદ આપીને ગયા હતા પરંતુ માલિક આવ્યા ના હતા આ ત્રણેય લોકોની બોડી લેંગવેજ પરથી થોડી શંકા ગયી હતી જેથી જીગ્નેશગીરીએ આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા એને જાણવા મળ્યું હતું કે આ બાબતે રજુ થયેલી રસીદ બોગસ છે અને ખરાઈ એ રીતે કરી હતી કે રસીદ પર જે QR કોડ આપવામાં આવ્યો હતો તે સ્કેન કરતા RTOનું કોઈ ડિજિટલ પેજ ખુલતું ના હતું જયારે ઓરીજીનલ રસીદ હતી તેમાં ડિજિટલ રસીદ ઓપન થતી હતી જેથી જીગ્નેશ ગીરીએ RTOના રસીદથી છેલ્લા એક વર્ષ દરમ્યાન જે વાહનો છૂટી ગયા હતા તે તમામના QR કોડ ચેક કરતા બીજા 29 જેટલા વાહનોના રસીદો ખોટી હોવાનું માલુમ પડ્યું હતું અને એનું એક લીસ્ટ બનાવીને RTOમાં ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે આ વાહનો બાબતે RTOમાં કોઈ દંડ ભરાયેલો નથી અને આ જે રસીદ છે તે પણ RTOમાંથી ઈશ્યુ થઇ નથી અને રસીદો બોગસ હોવાનું જાણવા મળ્યું હતું જેથી આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જે રીક્ષા છોડાવવા આવેલા સુનીલ, ક્રિષ્ના અને વિશાલ કરીને આ ઉપરાંત જે વાહનો છૂટી ગયેલા છે તે વાહનોના નંબર પણ ફરિયાદમાં લખાવવામાં આવ્યા છે