Surat News: સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં તહેવારોની મોસમ વચ્ચે ચોરીના પ્રયાસની એક ઘટના સામે આવી છે. કામરેજની ગુરુકૃપા સોસાયટીના નાકે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના ATM સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ATMમાંથી રોકડ રકમ ચોરી કરવાના ઇરાદે ઘૂસેલા તસ્કરોએ સૌપ્રથમ CCTV કેમેરા પર કાળો સ્પ્રે મારી દીધો હતો. જોકે, ATMમાં ચોરીનો પ્રયાસ ચાલી રહ્યો હતો તે દરમિયાન અચાનક આગ ફાટી નીકળતાં તસ્કરોને ત્યાંથી નાસી છૂટવાની ફરજ પડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, તસ્કરોએ પોતાની ઓળખ છુપાવવા માટે ATM સેન્ટરમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાને કાળા સ્પ્રેથી ઢાંકી દીધા હતા. ત્યારબાદ ATM મશીનમાંથી રોકડ રકમ મેળવવા માટે તોડફોડ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગેસ કટર અથવા અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મશીનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ચોરીનો પ્રયાસ અધૂરો રહી ગયો હતો અને તસ્કરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ATM સેન્ટરમાં આગ લાગવાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને કામરેજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થવાથી આગ વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને સંભવિત મોટું નુકસાન ટળ્યું હતું.
ઘટનાની જાણ બેંકના સ્ટાફ અને અધિકારીઓને કરવામાં આવી છે. SBIના અધિકારીઓ ATM સેન્ટર પર પહોંચીને મશીનની તપાસ કરશે. આગ અને તોડફોડના કારણે મશીનમાં રહેલી રોકડ રકમને કેટલું નુકસાન થયું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ ચોરી થયેલી કે નુકસાન પામેલી રોકડ અંગે કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી.
બીજી તરફ, ચોરીનો પ્રયાસ કરીને ફરાર થયેલા તસ્કરોને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ATM સેન્ટરના CCTV કેમેરા પર સ્પ્રે મારી દેવામાં આવ્યો હોવાથી પોલીસ હવે આસપાસના વિસ્તારોમાં આવેલા મકાનો, દુકાનો અને અન્ય સ્થળોના CCTV ફૂટેજ તપાસી રહી છે. આ ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ મેળવવા તેમજ તેઓ કયા માર્ગે આવ્યા અને કઈ દિશામાં ફરાર થયા તેની વિગતો મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે.
