Surat: સુરત શહેરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દોઢ વર્ષની બાળકી રમતા-રમતા મેગ્નેટિક માળા ગળી ગઈ હતી. છેલ્લા 2-3 દિવસથી પેટમાં દુ:ખાવો અને ઊલટીઓ થતાં તેને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં એક્સ-રેમાં બાળકીના પેટમાં મેગ્નેટિક માળા જોવા મળી હતી. જેના કારણે આંતરડાની દીવાલમાં કાણાં પડી ગયા હતા. જેથી તબીબોએ 3 કલાકની સર્જરી કરીને 18 મણકા બહાર કાઢ્યા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી. જે બાદ બાળકીને ઊલટી તથા પેટમાં દુઃખાવો થતાં પરિવાર નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયો હતો. બે-ત્રણ દિવસ બાદ બાળકીને 27મીના રોજ બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીના પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે.
આથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી. પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ માળાના મણકા જઠરની દીવાલમાં જતા રહ્યા હતા. જેના કારણે તાત્કાલિક ઓપન લેપ્રોટોમી (ટાંકાવાળું પેટનું ઓપરેશન) કરવાનું નક્કી કર્યું હતું.
ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની પાચનતંત્રના વિવિધ અંગો (GI SYSTEM) એક બોલની જેમ ચીપકી ગઈ હતી, જેને છૂટા પડતાં અંગોમાં વિવિધ ભાગોમાં 10 કાણાં પાડેલા હતા, અને ત્યાં મેગ્નેટિક મણકાઓ ચોંટેલા હતા. બાળકીના શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા. મેગ્નેટના લઈને આખી પાચનનાં અંગો ચીપકીને આંતરડાની દીવાલમાં પ્રેશર કરતા કાણાં પડી ગયા હતા. આ તમામ 10 કાણાંનું રિપેર કરી દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીને 12 દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી રજા આપવામાં આવી છે.
