Surat: શહેરના ભાઠેના વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 6 વર્ષના બાળકને સોટી વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેના પગલે બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે.
રડતા-રડતા ઘરે પહોંચેલા બાળકે કપડા બદલ્યા ત્યારે ઈજાના નિશાન જોઈ પરિવાર ચોંક્યો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના ભાઠેના વિસ્તારમાં ખુદીરામ બોઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 42માં 6 વર્ષનો બાળક બાલ વાટિકામાં અભ્યાસ કરે છે. આ બાળકની ઓપન હાર્ટ સર્જરી થઇ છે અને માનસિક વિકાસ અંગે બાળકના પરિવારે શાળામાં અગાઉથી જાણ કરી હતી.
આમ છતાં શાળામાં બાળકને નિર્દયતાથી સોટીથી પીઠ અને ગરદન પાસે માર મારવામાં આવ્યો હતો. જયારે રડતા-રડતા ઘરે પહોંચેલા બાળકે કપડા બદલ્યા, ત્યારે પીઠ પર ઈજાના નિશાન જોઈને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. આખરે પરિવારજનો બાળકને શાળાએ લઇ જઈને આ મામલે રજૂઆત કરી, ત્યારે પ્રિન્સીપાલ તરફથી ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હોવાનો માતાએ આક્ષેપ કર્યો છે.
મારા બાળકને સોટી મારનાર ટીચર રજા પર ઉતરી ગયા
આ અંગે બાળકની માતાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, મારો બાળક ભાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં બાળ વાટિકામાં અભ્યાસ કરે છે. તે કેટલાક દિવસથી પોતાને શાળામાં મારતા હોવાની ફરિયાદ કરતો હતો. જો કે શરૂઆતમાં અમે એવું માનતા હતા કે, તેને શાળાએ જવું નહીં હોય તેથી બહાના કાઢે છે.
અમે જ્યારે બાળકનું એડમિશન લીધુ, ત્યારે જ શિક્ષક અને પ્રિન્સીપાલને જાણ કરી હતી કે, મારા બાળકની ઑપન હાર્ટ સર્જરી થઈ છે અને તેની સમજશક્તિ ઓછી છે. અગાઉ તેને ખેંચ પણ આવી ચૂકી છે.
આજે જ્યારે તે રડતો-રડતો ઘરે આવ્યો અને કપડા બદલ્યા, ત્યારે તેની પીઠ પર સોટીના ઘા હતા. આથી અમે તેને શાળાએ પરત લઈ ગયા અને ત્યાં શિક્ષકની ફરિયાદ કરી હતી. આ સમયે પ્રિન્સીપાલે જણાવ્યું કે, અત્યારે બધા ટીચર નીકળી ગયા છે. એક ટીચર 3 ક્લાસ સંભાળે છે, તો તમે કાલે ટીચર આવે ત્યારે આવજો.
મારો દીકરો 6 વર્ષનો છે તેને પીઠ અને આગળ છાતીના ભાગે અને ગરદન પાસે સોટીથી માર મારવામાં આવ્યો છે, જ્યાં તેને લોહી જામી ગયું હતું. તે સતત બે કલાકથી રડતો હતો જેથી અમે તેને સિવિલ હોસ્પિટલ પણ બતાવવા માટે લઇ ગયા હતા.
