સુમુલ ડેરીની પશુપાલકોને દેવદિવાળીની ભેટ: ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલોફેટે રૂ. 50નો વધારો

ભાવ વધારા બાદ ગાયના દૂધનો ખરીદ ભાવ અગાઉના રૂ. 900ના બદલે હવે રૂ. 950 થયો છે. જ્યારે ભેંસના દૂધનો ભાવ રૂ. 930થી વધીને રૂ. 980 થયો છે. બંને કેટેગરીમાં ભાવવધારો તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 24 Nov 2026 01:13 PM (IST)Updated: Tue, 24 Nov 2026 01:13 PM (IST)
surat-news-sumul-dairy-increases-cow-and-buffalo-milk-purchase-rates-by-rs-50

Surat News: સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને દેવદિવાળીની ભેટ આપવામાં આવી છે. ડેરીની બોર્ડ મિટિંગમાં ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ. 50નો વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. આ વધારા સાથે ગાયના દૂધનો ભાવ રૂ. 900થી વધારી રૂ. 950 અને ભેંસના દૂધનો ભાવ રૂ. 930થી વધારી રૂ. 980 કરવામાં આવ્યો છે. આ નવો ભાવ તાત્કાલિક અસરથી અમલી બનશે.

પ્રતિ કિલોફેટે રૂ. 50 વધારવા સર્વસંમતિ સધાઈ

સુમુલ ડેરીની યોજાયેલી બોર્ડ મિટિંગમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં પશુપાલકોને ચૂકવાતા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ગાય અને ભેંસ એમ બંને પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ. 50 વધારવા સર્વસંમતિ સધાઈ હતી. ભાવ વધારા બાદ ગાયના દૂધનો ખરીદ ભાવ અગાઉના રૂ. 900ના બદલે હવે રૂ. 950 થયો છે. જ્યારે ભેંસના દૂધનો ભાવ રૂ. 930થી વધીને રૂ. 980 થયો છે. બંને કેટેગરીમાં ભાવવધારો તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે.

2.50 લાખ પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે

સુમુલ ડેરીના આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે. ડેરીના અંદાજ પ્રમાણે માર્ચ-2027 સુધીમાં આ ભાવ વધારાના પરિણામે પશુપાલકોને રૂ. 70 કરોડથી વધુની વધારાની આવક પ્રાપ્ત થશે. મોંઘા ઘાસચારા, પશુઆહારના વધતા ભાવ, અલનીનોની અસર તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે પશુપાલન ક ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ દૂધના વેચાણમાં ભાવમાં 1 રૂપિયાથી લઈને 6 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો.

જયેશ દલાડએ જણાવ્યું હતું કે સુમુલ ડેરી સુરત દ્વારા સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુ પાલકો માટે દેવ દિવાળીએ ગાય અને ભેંસના દુધમાં પ્રતિ કિલો ફેટે 50 રૂપિયા વધાર્યો છે. પશુ પાલકોને ઉત્પાદન ખર્ચો ઘાસચારા નો જે ભાવ વધારો થયો હતો તેની સામે ખુબ જ સારો કિલો 50 રૂપિયાનો વધારો કર્યો છે, સુમુલ મેનેજમેન્ટએ પશુ પાલકો માટે જે નિર્ણય કર્યો છે તેને પશુ પાલક તરીકે અમે વધાવીએ છીએ.