Surat Dog Attack: સુરતના તિરૂપતિ માર્કેટમાં માસૂમ પર કૂતરાઓનો જીવલેણ હુમલો, રૂંવાડા ઊભા કરી દેતો વીડિયો વાયરલ

અચાનક ત્રણ જેટલા હિંસક રખડતા શ્વાનોએ તેના પર ધસી જઈને તરાપ મારી હતી. શ્વાનોએ બાળકને નીચે પાડી દીધું હતું અને તેને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 26 May 2026 01:00 PM (IST)Updated: Tue, 26 May 2026 01:53 PM (IST)
surat-news-stray-dog-attack-child-in-parking-lot-cctv-footage

Stray Dog Terror In Surat: સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધુ એક વખત સામે આવ્યો છે. શહેરના રિંગ રોડ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બેગમવાડી સ્થિત પ્રખ્યાત તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના માર્કેટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ જોઈને કોઈપણ વ્યક્તિ ધ્રુજી ઊઠે તેમ છે. 24 મેના રોજ બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ સ્થાનિક લોકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ 9 વર્ષનો બાળક સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહે છે અને ધો. 3 માં અભ્યાસ કરે છે. બાળકનો પરિવાર ઈદ નિમિતે વતન જવાના હતા જેથી ખરીદી કરવા માટે પરિવાર બાળક સાથે તિરુપતિ માર્કેટમાં આવ્યો હતો. આ દરમ્યાન બાળક પર ત્યાં રખડતા શ્વાનોએ હુમલો કરીને બચકાં ભરી લીધા હતા. સામે આવેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, માસૂમ બાળક માર્કેટના પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક ત્રણ જેટલા હિંસક રખડતા શ્વાનોએ તેના પર ધસી જઈને તરાપ મારી હતી. શ્વાનોએ બાળકને નીચે પાડી દીધું હતું અને તેને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું.

હુમલા દરમિયાન શ્વાનોએ માસૂમને ઢસડયો પણ હતો. અસહાય બાળક પોતાની જાતને બચાવવા માટે રસ્તા પર તરફડિયાં મારી રહ્યું હતું, પરંતુ શ્વાનો તેને સતત 40 સેકન્ડ સુધી ફાડી ખાવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. બાળકની ચીસાચીસ અને શ્વાનનો ભસવાનો અવાજ સાંભળીને આસપાસના વેપારીઓ અને લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ હિંસક બનેલા શ્વાનોને ત્યાંથી ભગાડ્યા હતા. આ હુમલામાં બાળકને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રામપુરામાં કૂતરાઓએ ત્રણ બકરાનો શિકાર કર્યો

બીજી તરફ, કોટ વિસ્તારમાં આવેલા રામપુરાના રોહિત મોહલ્લામાં પણ શ્વાનોનો આતંક જોવા મળ્યો હતો. અહીં સુફી મદ્રેસા પાસે એક મુસ્લિમ પરિવાર આગામી બકરી-ઈદના તહેવાર નિમિત્તે કુરબાની માટે ત્રણ બકરા લાવ્યા હતા. જો કે, 24 મેની મોડી રાત્રે રખડતા શ્વાનોનાં ટોળાએ આ ત્રણેય બકરા પર એકસાથે હુમલો કરી તેમને ફાડી ખાધા હતા. સવારે ઘટનાની જાણ થતાં જ આસપાસનાં રહેવાસીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી .

તોતિંગ ખર્ચ છતાં સમસ્યા ઠેરની ઠેર

ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અગાઉ પણ નાના બાળકો અને વૃદ્ધોને પણ શ્વાનોએ બચકા ભર્યા હોવાની ઘટના સામે આવી ચુકી છે. આંકડાકીય રીતે જોઈએ તો વર્ષ 2024માં સુરતમાં 34418 લોકોને કુતરા કરડયા હતા જયારે વર્ષ 2025માં સંખ્યા વધીને 39432 થઇ હતી. ચાલુ વર્ષે વર્ષ 2026માં જાન્યુઆરી થી મેં સુધીમાં 18143 લોકો ડોગ બાઈટનો શિકાર બન્યા છે.

સુરત શહેરમાં રખડતા કુતરાની સંખ્યા વસ્તી પર નીયંત્રણ માટે 5 વર્ષમાં 14 કરોડ ફાળવાયા હોવાનું નોંધાયું છે તે પૈકી પાલિકા તંત્રએ 7.20 કરોડનો ખર્ચ થઇ ગયો હોવા છતાં રખડતા કુતરાનો ત્રાસ અકબંધ હોવાના આક્ષેપો સમયાંતરે થતા રહે છે. ચાલુ નાણાકીય વર્ષમાં 3.50 કરોડની ફાળવણી સામે એપ્રિલ 2026 સુધીમાં 20 લાખનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે સુરત મહાનગર પાલિકા (મનપા) રખડતાં શ્વાનોના ત્રાસ પર કાબુ મેળવવામાં ધરાર નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરમાં રોજબરોજ બનતી આ પ્રકારની ઘટનાઓને કારણે હવે માસુમ બાળકોથી માંડીને મૂંગા પશુઓ પણ શ્વાનનાં આતંકનો ભોગ બની રહ્યા છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં મનપાની ઢીલી કામગીરી સામે ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે.