Surat: 'ફર્ઝી' વેબ સિરીઝ જોઈને ડુપ્લિકેટ નોટો છાપવાનું મિની કારખાનું શરૂ કરી દીધુ, રૂ. 1.20 લાખની નકલી નોટો સાથે 4 ઝડપાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Sep 2024 07:28 PM (IST)Updated: Sun, 22 Sep 2024 07:28 PM (IST)
surat-news-sog-busted-fake-currency-racket-held-4

Surat: સુરત શહેરમાં 'ફર્ઝી' વેબ સિરીઝ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવાનોએ 'ફર્ઝી' વેબ સિરીઝ અને યુ-ટ્યુબ પર વિવિધ વીડિયોના જોઈ નકલી નોટો છાપતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે જયારે દરોડો પાડ્યો, ત્યારે નકલી નોટો છાપવાનું મિની કારખાનું મળી આવ્યું હતું. આ મામલે પોલીસે બે સગાભાઈઓ અને નકલી નોટની ડિલીવરી લેવા આવેલા બે યુવાનોને પણ ઝડપી પાડ્યા છે.

ઓનલાઇન હોઝીયરી બિઝનેસની ઓફીસની આડમાં નકલી નોટો છાપવાનુ મીની કારખાનું ચાલતું હતું. પોલીસે 1,20,200 રૂપિયાની હાઈ ક્વોલીટી ડુપ્લીકેટ નોટો તથા નોટો છાપવાની સાધન સામગ્રી જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, SOG પોલીસની ટીમે સરથાણા વિસ્તારમાં આવેલ એપ્પલ સ્ક્વેર બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઑનલાઈન હોઝીયરી બિઝનેસની ઑફિસમાં નકલી નોટો છાપવાનો ગોરખધંધો ધમધમતો હતો.

પોલીસે દરોડો પાડીને ઈવેન્ટ મેનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલ રાહુલ ચૌહાણ (24), સાડીમાં જૉબ વર્કનું કામ કરતા પવન બાનોડે (25) અને ઑનલાઈન વેપાર સાથે સંકળાયેલ ભાવેશ રાઠોડ (27)ને ઝડપી પાડ્યા હતા.

આ સાથે જ પોલીસને ઑફિસમાંથી રૂ. 1.20 લાખના દરની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સાધન-સામગ્રી જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓએ વૉન્ટેડ ઈસમની સાથે મળીને છેલ્લા એક મહિનાથી ઑફિસ ભાડે રાખી હતી અને ઑનલાઈન કપડાના બિઝનેસની આડમાં બનાવટી ચલણી નોટો બનાવતા હતા.

પોલીસે ઓફિસમાં તપાસ કરતા ભારતીય ચલણી નોટો છાપવાનું મીની કારખાનું મળી આવ્યું હતું. પોલીસે ઓફિસમાંથી 1,20,200 ની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલી સાધન સામગ્રીઓ પણ જપ્ત કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે વોન્ટેડ આરોપી સાથે મળીને છેલ્લા એકાદ મહિનાથી ઓફીસ ભાડે રાખી હતી અને ઓનલાઈન કપડાના બીઝનેસની આડમાં બનાવટી ભારતીય ચલણી નોટ બનાવતા હતા. દરમ્યાન મોડી રાતે આ બનાવમાં પોલીસે વધુ એક આરોપી સાગર દીપક રાઠોડ [ઉ.25] ને પણ ઝડપી પાડ્યો હતો. આમ સુરત એસઓજી પોલીસે આ ગુનામાં કુલ 4 આરોપીઓની હાલ સુધી ધરપકડ કરી છે.

આ અંગે SOG DCP રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, સરથાણા યોગીચોક સ્થિત એપલ સ્ક્વેર નામની બિલ્ડીંગમાં હોઝીયરી બિઝનેસની ઓફિસની આડમાં નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે એસઓજી પોલીસે ત્યાં રેડ કરીને ત્યાંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ ઉપરાંત રેડ વાળા સ્થળેથી 100 રૂપિયાના દરની 1,20,200 રૂપિયાની 1202 નકલી નોટ મળી આવી હતી. આ ઉપરાંત નોટની અંદર વપરાતી શાહી, રફ કાગળો, પ્રિન્ટર, પેન ડ્રાઈવ વગેરે મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ બનાવમાં ઝડપાયેલો સાગર અગાઉ સિંગાપોરમાં હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરીને આવ્યો છે અને માસ્ટરમાઈન્ડ પણ તેજ છે. જ્યારે ભાવેશ અને સાગર રાઠોડ આ બંને ભાઈઓ આ નકલી નોટ બનાવવાનું કામ કરતા હતા. જયારે અન્ય બીજા ઈસમો રાહુલ ચૌહાણ અને પવન શ્રીકૃષ્ણભાઈ બાનોડે આ બંને ડિલીવરી લેવા માટે આવ્યા હતા. જે-તે વખતે સ્થળ પરથી સાગર ભાગી ગયો હતો, પરંતુ વહેલી સવારે તેને પણ પકડી લેવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં પહેલા તેઓએ 10 હજાર રૂપિયાની નકલી નોટ બનાવીને લારી ગલ્લે અથવા તો ચાની કીટલી વગેરે જગ્યાએ વરાછા વિસ્તારમાં વાપરી હતી. 100 રૂપિયાની જ નોટ છાપવા પાછળનું કારણ એ છે કે, કોઈને શંકા ના જાય કે આ નોટ નકલી હશે, 500 રૂપિયાની નોટ હોય તો કોઈને શંકા પણ જતી હોય છે અને અગાઉ 500 રૂપિયાની નોટો પણ પકડાઈ ચૂકી છે તો લોકો વધારે ખરાઈ કરતા હોય છે જેથી આ લોકોનો ઈરાદો છે કે 100 રૂપિયાની નોટો છાપીશું તો જલ્દી પકડાઈશું નહિ,

વધુમાં જણાવ્યું કે, સાગર રાઠોડને ફર્ઝી વેબ સીરીઝ જોઇને તેને આ વિચાર આવ્યો હતો. જે બાદ યુટ્યુબ પર વિવિધ વીડિયો દ્વારા બધુ શીખી અને જે મુદામાલ પકડાયો છે શાહી, કાગળ તે બધું તેણે સુરતથી જ અલગ અલગ જગ્યાએથી લઈને આ કામ કરતા હતા. લગભગ છેલ્લા છએક મહિનાથી આ લોકો આ કામ કરતા હતા.

ચાર આરોપીઓ પૈકી ભાવેશ અને સાગર રાઠોડ બંને સગા ભાઈઓ છે તે બંને આ નોટો બનાવવાનું કામ કરતા હતા અને બીજા આરોપી રાહુલ ચૌહાણ અને પવન બાનોડે જેમાં રાહુલ મૂળ મધ્ય પ્રદેશ અને પવન મહારાષ્ટ્રનો વતની છે, તેઓ સુરતમાં જ રહેતા હતા. એક અસલી નોટની બદલે 3 નોટ આ લોકો તેને આપતા હતા અને તેઓ ડીલીવરી લેવા આવ્યા હતા અને એ દરમ્યાન જ ઝડપાઈ ગયા હતા.