Surat: ઓલપાડ વિધાનસભા વિસ્તાર અને મતદાર બંનેની દ્રષ્ટિએ ખૂબ જ મોટી છે. ઓલપાડ વિધાનસભામાં મતદારોની સંખ્યા 4,74,125 એ પહોંચી ગઈ છે. હવે આ તમામ મતદારોને યુદ્ધના ધોરણે એન્યુમેરેશન ફોર્મનું વિતરણ કરી દેવાયું છે.
હવે મતદારોની સંખ્યા ખૂબ જ વધુ હોવાથી ફોર્મ પરત લેવા માટે ઓલપાડ વિધાનસભાના મતદારો માટે સ્પેશિયલ કલેક્શન સેન્ટરો શરૂ કરાયા છે. ઓલપાડ વિધાનસભા વિસ્તારનો કોઈપણ મતદાર કલેક્શન સેન્ટર પર તા.28 થી 30 નવેમ્બર સુધી સવારે 10 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતદાર ગણતરીના ફોર્મ જમા કરાવી શકશે.
આ કલેકશન સેન્ટરોની વિગતો જોઈએ તો, ઓલપાડ તાલુકામાં સમાવિષ્ટ તમામ ગ્રામ પંચાયતો, ઓલપાડ તાલુકા મથકે મુખ્ય બજાર ખાતેના કોમ્યુનીટી હોલ જયારે સીટી વિસ્તારમાં કોસાડ ખાતે નાનુભાઇ દેસાઇ પ્રાથમિક શાળા ક્રમાંક 51, બી.આર.સી. ભવનની બાજુમાં તેમજ નાગરિક સુવિધા કેન્દ્ર, મામલતદાર કચેરી અબ્રામા, સુદામા ચોક, મોટા વરાછા અને નાગરિક સુવિધા કેન્દ્ર, મહાનગરપાલિકા, ભેંસાણ ખાતે ફોર્મ સ્વીકારાશે.
રવિવારે રજાના દિવસે પણ આ કલેકશન સેન્ટર કાર્યરત રહેશે. મતદારયાદીમાં પોતાનું નામ ચાલુ રાખવા માટે દરેક મતદારોએ ગણતરી ફોર્મ જમા કરાવવું ફરજિયાત છે. જે મતદારો દ્વારા આ ગણતરી ફોર્મ જમા કરાવવામાં નહિં આવે તે મતદારોનું નામ મતદારયાદીમાં નિકળી જશે. જેની તમામ મતદારોએ ખાસ નોંધ લેવા 155-ઓલપાડ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી દ્વારા જણાવાયું છે.
