Surat: ભટારના 'સુમન પાર્થ' આવાસમાં પાણી લીકેજની સમસ્યાથી હાલાકી, પરેશાન રહીશોનો પ્રશ્ન- 'અમે હપ્તા ભરીએ કે રિપેરિંગ કરાવીએ'

સુરતના ભટાર સ્થિત સુમન પાર્થ આવાસમાં પાણી લીકેજની ગંભીર સમસ્યાથી રહીશો પરેશાન છે, જ્યાં છત અને દીવાલોમાંથી સતત પાણી ટપકે છે. મનપામાં અનેક ફરિયાદો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને મેઈન્ટેનેન્સનો મુદ્દો પણ વણઉકેલ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 23 Jun 2026 06:55 PM (IST)Updated: Tue, 23 Jun 2026 06:55 PM (IST)
surat-news-severe-water-leakage-issues-in-bhatar-suman-parth-housing

Surat: શહેરના ભટાર આઝાદનગર નજીક આવેલ 'સુમન પાર્થ' આવાસમાં પાણી લીકેજની સમસ્યાને લઈને રહેવાસીઓ ત્રાહિમામ પોકારી રહયા છે. અનેક ફ્લેટોમાં છત અને દીવાલોમાંથી પાણી ટપકતા રહેવાસીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ચોમાસું ન હોવા છતાં ઘરોની અંદર પાણી ટપકે છે. આ સંદર્ભે મનપામાં અનેક ફરિયાદો કરવા છતાં કોઈ પગલા ના લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


રૂ. 5 લાખ જેટલું મેઈન્ટેનેન્સ પેન્ડિંગ, લેવા જતાં ફ્લેટ હોલ્ટર ફરિયાદ કરે છે

આ અંગે આવાસના પ્રમુખ મહેશ પરમારે જણાવ્યું કે, અમે જ્યારથી રહેવા આવ્યા, ત્યારથી પાણી લીકેજની સમસ્યા છે. રૂ. 5 લાખ જેટલુ મેઈન્ટેનેન્સ પેન્ડિંગ છે, લેવા જઈએ ત્યારે ફ્લેડ હોલ્ટર કહે છે કે, પહેલા અમારું પાણી લીકેજ બંધ કરાવો. એક બાથરૂમનો રિપેરિંગ ખર્ચ રૂ. 10 હજાર છે. જ્યારે 3 બાથરૂમનો ખર્ચ 30 હજાર રૂપિયા આવે, આટલો ખર્ચો ગરીબ માણસ ક્યાંથી આપે.

અમે હપ્તા ભરીએ કે રિપેરિંગ કરાવીએ. આ અંગે અમે મનપામાં ફરિયાદ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી. અગાઉ બિલ્ડરને રજૂઆત કરી, ત્યારે ખાલી પટ્ટો મારી ગયા હતા. જો કે હજુ સુધી પાણી લીકેજ બંધ નથી થયું. તંત્રએ અમને ગરીબોને મકાન આપ્યા છે, પરંતુ પાણી લીકેજથી પરેશાન થઈ રહ્યા છીએ, તો અમારા તરફ ધ્યાન આપે.

naidunia_image

પ્લમ્બરો આવીને જોઈ ગયા, પરંતુ સમસ્યા યથાવત

આ અંગે રહીશ અશ્વિનભાઈએ જણાવ્યું કે, હું 3 વર્ષથી અહીં રહું છું. દરેક ઘરમાં લીકેજ છે. કોઈને છતમાંથી તો કોઈને બાથરૂમ, ટૉઈલેટ તો કોઈને બાલ્કનીમાંથી પાણી ટપકે છે. અમે SMCમાં ફરિયાદ કરી, ત્યાંથી પ્લમ્બરો આવીને જોઈ ગયા, પરંતુ સમસ્યા હજુ પણ યથાવત છે.

અન્ય એક રહેવાસી અંજુબેને જણાવ્યું કે, વરસાદ હોય કે ના હોય, પણ અહીં સતત પાણી ટપકે છે. આ કન્સ્ટ્રક્શનની વખતની સમસ્યા છે કે શું? ખબર નથી પડતી. અહીં 70 ટકા ફ્લેટોમાં પાણી પડે છે. આ મામલે મનપામાં ફરિયાદ કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.