Surat: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આજે સર્વર ડાઉન થતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનાને લઈને દર્દીઓ અને તેમના સગા સબંધીઓ રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જો કે થોડા સમય બાદ સમસ્યાનું નિરાકરણ થઈ ગયું હતું.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, પરંતુ આજે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી.
હકીકતમાં હોસ્પિટલમાં OPD માટે જે ટોકન આપવામાં આવે છે, તેનું સર્વર ડાઉન થઇ ગયું હતું. જેના પરિણામે મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ OPDની બહાર લાંબી કતારોમાં ઊભા હતા. જેથી રોષે ભરાયેલા દર્દીઓ અને સગા સબંધીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. બીજી તરફ તત્કાલિક ટેકનીકલ ટીમને બોલાવવામાં આવી હતી અને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ અંગે પૂર્વ કોર્પોરેટર ભાવેશ રબારીએ જણાવ્યું કે, અત્યારે 1500 કરતા વધુ દર્દીઓ જે સવારે 9 વાગ્યે અહીંયા આવે, ત્યારે કેશ પેપર કઢાવવા માટે ટોકન લેવું પડે છે. આ કેસ પેપર કઢાવ્યા પછી OPDમાં જવું પડે છે. જો કે બે-બે કલાક સુધી સર્વર ડાઉન હોવાના કારણે 1500 જેટલા દર્દીઓ બે-બે કલાક સુધી સારવાર વિના એમને એમ બેઠા રહ્યા હતા, એક પણ જવાબદાર અધિકારીઓ અહી હાજર નથી.
જયારે દર્દીઓ સવારે આવે અને બપોર સુધીમાં દવા લઈને જાય તો બપોર પછી પોતાનો કામ ધંધો કરી શકે, પરંતુ આજે કેસ પેપર કઢાવવા માટે બે બે કલાક સુધી સર્વર ડાઉન હોવા છતાં પણ એક પણ જવાબદાર અધિકારી અહી હાજર ન હતા અને આ દર્દીઓને અન્ય કોઈ બીજી રીતે સારવાર મળે, ઓપીડીમાં જાય ડોક્ટર એને સારવાર આપે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી,
વધુમાં જણાવ્યું હતું કે છાશવારે સ્મીમેર હોસ્પિટલમાં પાર્કિગનો કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો એ લાલિયાવાડી કરનાર કોઈ પણ જવાબદાર અધિકારી હોય કે આવા સર્વર ડાઉન હોય કોઈની સામે પગલા ભરવામાં આવતા નથી.
સુરતની સૌથી મોટી સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને પડતી અસુવિધા મામલે સુરત મહાનગર પાલિકા ગંભીર નથી એવું જોઈ શકાય છે. આજે હજારોની સંખ્યામાં દર્દીઓ સર્વર ડાઉન હોવાના કારણે ખુબ જ રઝળ્યા છે. બે કલાક બાદ સર્વર તો ચાલુ થઇ ગયું છે, આગામી સમયમાં મનપા કમિશ્નર અને આરોગ્ય સમિતિના ચેરમેનને રજૂઆત પણ કરીશું. દર વખતની જેમ આવા અનેક બનાવો બને છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આ લાલિયાવાડી દિવસે ને દિવસે વધતી જાય છે એ માટે અમે 100 ટકા રજૂઆત કરીશું,
જિતેન્દ્ર દર્શન (સુપ્રીન્ટેન્ડન્ટ સ્મીમેર હોસ્પિટલ) સ્મીમેર હોસ્પિટલમાં ગત મહીને HIની સીસ્ટમ શરુ કરવામાં આવી છે જે ઇન્ટરનેટ બેઇઝ છે. જેમાં સર્વર ડાઉન થવાના ચાન્સ રહે છે, તે ટેકનીકલ વસ્તુ છે, જેના થકી આ સિસ્ટમ લાવવામાં આવી છે એ દરરોજ ડ્યુટી પ્રમાણે જોતા હોય છે. આજે સર્વર ડાઉન થવાની સમસ્યા થઇ હતી, અંદાજીત 15 થી 30 મિનીટ સુધી સર્વર ડાઉન રહ્યું હતું. જેથી સિનીયર RMO દ્વારા મેન્યુઅલ સિસ્ટમ શરુ કરવામાં આવી હતી. હાલમાં સીસ્ટમ શરુ થઇ ગયું છે અને સારી રીતે કામ કરી રહ્યું છે.
