Vadodara: સયાજી હોસ્પિટલ સમરાંગણમાં ફેરવાઈ, પરિણીતાના રહસ્યમય મોત બાદ પિયર અને સાસરી પક્ષના સભ્યો વચ્ચે ધીંગાણું

નેન્સીના સાસરિયાએ પિયરમાં ફોન કરીને તમારી દીકરીને હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાનું જણાવ્યુ. જેવો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે નેન્સી મૃત હાલતમાં મળી આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Dec 2025 03:31 PM (IST)Updated: Wed, 03 Dec 2025 03:31 PM (IST)
vadodara-news-fight-between-in-laws-at-sayaji-hospital-after-married-womed-dead
HIGHLIGHTS
  • મૃતક પરિણીતાએ દોઢ વર્ષ અગાઉ જ પ્રેમલગ્ન કર્યાં હતા
  • પિયર પક્ષનો પોતાની દીકરીની હત્યા થઈ હોવાનો આક્ષેપ

Vadodara: વડોદરા શહેરની પરિણીતાના રહસ્યમય મોતને પગલે સયાજી હોસ્પિટલમાં પિયર અને સાસરી પક્ષના વચ્ચે છૂટાહાથની મારામારી સર્જાઈ હતી. જેના પરિણામે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગા અને સ્ટાફમાં અફરાતફરી મચી જવા પામી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના રણોલી વિસ્તારમાં રહેતી નેન્સી નામની યુવતીએ આજથી દોઢેક વર્ષ પહેલા ભાવેશ વાદી નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. ગઈકાલે રાતના સમયે સાસરીમાંથી પિયરમાં ફોન કરીને જણાવાયું હતું કે, નેન્સીની તબિયત ગંભીર છે. આથી અમે તેને હોસ્પિટલ ખસેડી છે.

જે બાદ નેન્સીના પિયર પક્ષના સભ્યો પણ SSG હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં પરિવારજનોને દીકરી મૃત હાલતમાં મળી આવી હતી. આથી પિયર પક્ષના લોકોએ પોતાની દીકરીની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતાં બન્ને પક્ષના લોકો આમને સામને આવી ગયા હતા. જ્યાં ઉગ્ર બોલાચાલીને અંતે સામસામે ઝપાઝપી થઈ હતી.

બીજી તરફ આ બનાવની જાણ થતાં હોસ્પિટલ સિક્યુરિટી સ્ટાફ અને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે ભારે જહેમતે મામલો થાળે પાડ્યો હતો.

હાલ તો નેન્સીના રહસ્યમય મોત મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે નેન્સીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવ્યો છે. પોલીસ પિયર પક્ષના આક્ષેપોને ધ્યાનમાં રાખીને સાસરિયાની પણ પૂછપરછ હાથ ધરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.