Surat: તાજેતરમાં જ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને અંધાધૂંધ ગોળીબાર કરીને 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. બીજી તરફ સરકાર દ્વારા કેટલાક આકરાં પગલા લેવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતાં બાંગ્લાદેશીઓ પર એક પછી એક કાર્યવાહી કરવામાં આવી છે.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લાના પોલીસ વડા, પોલીસ કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને પોતાના તાબામાં આવતા શહેર-જિલ્લામાં સર્ચ ઑપરેશન હાથ ધરીને ગેરકાયદેસર વસવાટ કરતાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી સહિતના વિદેશીઓને ઝડપી પાડવા કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
જેને લઈને સુરત જિલ્લા LCB, SOG અને પેરોલ ફર્લો સ્ક્વોડના અધિકારીઓને કુલ 4 જેટલી ટીમોએ જિલ્લાના બારડોલી ટાઉન, બારડોલી રુરલ, પલસાણા, કોડદરા, કામરેજ, કીમ, કોસંબા, માંડવી અને ઓલપાડ તાલુકાની સ્થાનિક પોલીસ કુલ 8 ટીમો મળી 12 ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ગેરકાયદેસર વસવાટ કરતાં વિદેશી નાગરિકોને પકડવા મેગા સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતુ.
જે અંતર્ગત ગઈકાલે 26 એપ્રિલના રોજ કુલ 130 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 29 બાંગ્લાદેશીઓ પલસાણામાંથી પકડવામાં આવ્યા હતા. આ સિવાય બારડોલી ટાઉનમાં 22, કડોદરામાં 14, કામરેજમાં 20, ઓલપાડમાં 13 બાંગ્લાદેશીઓ પકડ્યા હતા.
જ્યારે આજે વધુ 108 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ 25 પલાસાણામાંથી પકડવામાં આવ્યા છે. આ સિવાય બારડોલી ટાઉનમાં 21, કડોદરા-કામરેજ અને ઓલપાડમાં 15-15 અને કોસંબામાં 12 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા છે.આમ બે દિવસ દરમિયાન કુલ 239 શકમંદ ઈસમોની અટકાયત કરવામાં આવી છે. જેમને સ્થાનિક પોલીસ મથકે લાવી તેમની પૂછપરછ કરી નાગરિક્તા અંગે વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.
