Surat: ટેમ્પામાંથી રૂ. 63 હજાર ભરેલી બેગ લઈને અજાણ્યો ઈસમ ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ટેમ્પાનો ડ્રાઈવર અને ક્લીનર ડિલીવરીમાં વ્યસ્ત હતા ત્યારે ગઠિયો કળા કરી ગયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Sep 2024 04:27 PM (IST)Updated: Sat, 28 Sep 2024 04:27 PM (IST)
surat-news-rs-63-thousand-chori-caught-in-cctv-footage

Surat: સુરત જિલ્લામાં તરસાડી ગામની સીમમાં ટેમ્પામાંથી રૂ 63 હજાર રોકડા ભરેલી બેગ લઈને અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ઑઈલ વેપારીના ડ્રાઈવર અને ક્લીનર ઑઈલની ડિલિવરી આપવા માટે તરસાડી ગામની સીમમાં આવેલ સિદ્ધિ વિનાયક કોમ્પલેક્સ નજીક આવ્યા હતા. આ સમયે ટેમ્પામાં રૂપિયા ભરેલી બેગ મૂકી હતી. જ્યારે ડ્રાઈવર અને ક્લીનર પાછળના ભાગમાં ઑઈલની ડિલીવરી પર ધ્યાન આપી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યો ઈસમ આવ્યો અને ટેમ્પામાં આગળની સીટ પર રહેલ રૂપિયા ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગયો હતો.

થોડીવાર બાદ ટેમ્પામાં બેગ ના મળતા ઑઈલના વેપારીએ CCTV ફૂટેજ ચકાસ્યા હતા. જેમાં ચોરીની ઘટના કેદ થઈ ગઈ હતી. CCTVમાં જોઈ શકાય છે કે, જ્યારે ડ્રાઈવર અને ક્લીનર ટેમ્પાની પાછળની સાઈડ લૉડિંગના કામમાં વ્યસ્ત હતા. આ સમયે ટેમ્પાની આગળ થોડે દૂર એક ઈસમ તેમના પર નજર રાખી રહ્યો હતો. થોડીવાર બાદ આ ઈસમ ટેમ્પાની નજીક આવે છે અને ડ્રાઈનર સીટની બાજુમાં પૈસા ભરેલી બેગને ઉઠાવીને ચાલતી પકડે છે.

હાલ તો આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજના આધારે ફરાર થઈ ગયેલા આરોપીની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.