Surat: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના એક યુવક સાથે વિદેશ મોકલવાના નામે 3 લોકોએ રૂ. 10 લાખની ઠગાઈ આચરતા તેણે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કામરેજ તાલુકાના નનસાડ રોડ પર રહેતા કિશન રોડવાડિયા (29)એ ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તો આ મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, 2023માં કિશનને સુરતમાં રહેતા આશિષ મોવલિયા, દિપક સાવલિયા અને દિવ્યા મોવલિયાએ કેનેડા નોકરી માટે લઈ જવાનું કહ્યું હતુ. આ માટે તેમણે કિશન પાસેથી 8 લાખ રૂપિયા રોકડ અને 2 લાખ રૂપિયાનો ચેક મળીને કુલ 10 લાખ રૂપિયા આ ત્રિપુટીને ચૂકવ્યા હતા.
જે બાદ કિશનને કેનેડા લઈ જવાનું કહીને દુબઈ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં થોડો સમય રહ્યા બાદ કિશન પરત સુરત આવી ગયો હતો. જે બાદ તેણે પોતે આપેલા રૂપિયા પરત માંગતા ત્રિપુટીએ ગલ્લાતલ્લા શરૂ કર્યા હતા. જેથી કિશન આર્થિક સંકડામણ અને ટેન્શનમાં આવીને જિંદગી ટૂંકાવવા ઝેરી દવા પી લીધી હતી.
