Surat: ગુજરાતમાં રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે સુરત પાલિકાની પેટા ચૂંટણી પણ જાહેર થઈ છે. સુરતમાં ખાલી પડેલી એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે, ત્યારે ગુજરાત પ્રદેશમાંથી નિમણૂંક કરાયેલા નિરીક્ષકોની ટીમ સુરત આવી પહોંચી હતી, જેઓ ઉમેદવારોને સાંભળશે
સુરતમાં ભાજપના વોર્ડ નંબર 18 (લિંબાયત-પરવટ-કુંભારિયા)ના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના નિધન બાદ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. દરમ્યાન ભાજપના ગુજરાત પ્રદેશમાંથી નિરીક્ષકો સુરત આવ્યા છે જેઓ ઉમેદવારોને સાંભળશે.
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આ પ્રક્રિયામાં હાજર છે. આ પ્રક્રિયા ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે થઈ છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં. 18 (લિંબાયત-પરવટ-કુંભારિયા)ની બક્ષીપંચ અનામત પુરૂષ સીટ માટે પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે. આ બેઠક માટે ગુજરાત પ્રદેશમાંથી નિમણૂક કરાયેલા નિરીક્ષકોએ ઇચ્છૂક ઉમેદવારોની રૂબરૂ રજૂઆતો સાંભળવાનું શરૂ કર્યું છે. બપોર સુધીમાં 22થી વધુ કાર્યકરોએ આ બેઠક માટે દાવેદારી કરી છે.
નીરીક્ષકોએ જાણાવ્યું હતું કે સુરત શહેરની અંદર એક દુઃખદ ઘટનાને લઈને ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને તે માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે તે માટે નિરીક્ષક તરીકે અમે આવ્યા છીએ અને જે કંઈ પ્રદેશની ગાઈડ લાઈન છે તે મુજબ આ નગરને એક વ્યસ્થિત સારો ઉમેદવાર મળે તે મુજબની પ્રક્રિયા અમે કરીશું.
