Surat: RFO સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં પતિની સરેન્ડર અરજી ફગાવાઈ, પોલીસે કઠોર કોર્ટ પરિસરમાંથી જ અટકાયત કરી

અઠવાડિયા અગાઉ સોનલ સોલંકી કામરેજ નજીક ઝાડ સાથે ભટકાયેલી કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 12 Nov 2025 05:23 PM (IST)Updated: Wed, 12 Nov 2025 10:49 PM (IST)
surat-news-rfo-sonal-solanki-firing-case-accused-husband-held-in-court-campus
HIGHLIGHTS
  • હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવતા RFOના માથામાં ગોળી વાગી હોવાનું નિદાન થયું હતુ

Surat: સુરતના રેન્જ ફોરેસ્ટ ઑફિસર (RFO) સોનલબેન સોલંકીને માથાના ભાગે ગોળી વાગી હોવાની ઘટનામાં તેમના પતિનું શંકાસ્પદ આરોપી તરીકે નામ હતુ. જેમણે કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સરેન્ડર અરજી ફગાવવામાં આવી હતી. આખરે પોલીસે કોર્ટ પરિસરમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક અઠવાડિયા અગાઉ અડાજણ વન વિભાગની ઑફિસમાં RFO તરીકે ફરજ બજાવતા સોનલ સોલંકી કામરેજ નજીક ઝાડ સાથે ભટકાયેલી કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. આ બાબતની જાણ થતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સિટી સ્કેનમાં સોનલ સોલંકીને માથામાં ગોળી વાગી હોવાનું માલૂમ પડ્યું હતુ.

પોલીસની પ્રાથમિક તપાસમાં સોનલ સોલંકી અને તેમના પતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલતી હતી. આ ઘટનાના 3 દિવસ અગાઉ પણ સોનલે કામરેજ પોલીસ મથકમાં પોતાની કારમાં GPS લગાડવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી.

આ સમગ્ર ઘટનામાં સોનલ સોલંકીના પતિ RTO ઈન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીનું નામ શંકાસ્પદ આરોપી તરીકે હતુ. આ ઘટના બાદ નિકુંજ ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેમણે આજે કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે સરેન્ડર અરજી ફગાવતા નિકુંજ ગોસ્વામીની કોર્ટ પરિસરમાંથી જ અટકાયત કરવામાં આવી છે.

આ ઘટનામાં તેમના પતિનું શંકાસ્પદ આરોપી તરીકે નામ હતું તેમના પતિએ આજે કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કઠોર કોર્ટે તેની સરેન્ડર અરજી ફગાવી કાઢી હતી. જે બાદ પોલીસે તેમની કોર્ટ પરિસરમાંથી અટકાયત કરી છે.

DySp આર.આર.સરવૈયાએ જણાવ્યું કે, ગત 6 નવેમ્બરના રોજ સવારે સવા 8 વાગ્યાના અરસામાં કામરેજ તાલુકાના જોખાગામ રોડ પર RFO સોનલ સોલંકી પર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં સોનલ સોલંકીને માથાની અંદર ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને સુરત ગ્રામ્યના પોલીસ વડા રાજેશ ગઢિયાએ તાત્કાલિક જગ્યાની વિઝીટ કરી હતી. જેમાં સીનીયર અધિકારીઓ, સ્થાનિક પોલીસ, લોકલ એલસીબી, એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેકટ કરવા અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ઘનિષ્ટ પ્રયત્ન કર્યા હતા.

આ મામલે સોનલ સોલંકીના પરિવારજનોએ ફાયરિંગ પાછળ તેમના પતિ નિકુંજ ગોસ્વામીનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસ દ્વારા પરિવારજનોની ફરિયાદના આધારે નિકુંજ સામે હત્યાની કોશિશ, એટ્રોસિટી એકટ અને આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસે ટેકનીકલ, મેન્યુઅલ અને સાયન્ટીફીક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારો દ્વારા આ ગુનામાં સંડોવાયેલા ઈસમોને પકડવા 7 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જ્યારે આરોપીઓ પોતાના ફોન બંધ કરીને અન્ય ફોનનો ઉપયોગ કરીને અલગ અલગ રાજ્યોની અંદર છૂપાતા ફરતા હતા.

પોલીસની સતત ધોંસ વધવાના કારણે આજે નિકુંજ ગૌસ્વામીએ કઠોર કોર્ટની અંદર સરેન્ડર કરવા માટેની એક એપ્લીકેશન આપી હતી. નિકુંજ સામે અગાઉ પત્નીના ગાડીની અંદર જીપીએસ ફીટ કરવા અંગેનો જે ગુનો દાખલ થયો હતો, એ ગુનાની અંદર સરેન્ડર અરજી કરી હતી. જે નામદાર કોર્ટે રીજેક્ટ કરી હતી. પોલીસને આ બાબતનું ધ્યાને આવતા તાત્કાલિક એલસીબીની ટીમ, તપાસ અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓ કોર્ટ પર ગયા હતા અને કોર્ટની બહાર RTO ઈન્સ્પેક્ટર નિકુંજ ગૌસ્વામીની અટકાયત કરીને LCB કચેરીએ લાવવામાં આવ્યો હતો. જ્યાં નિકુંજની પૂછપરછના આધારે આ ગુનામાં સંડોવાયેલ તેના સાગરિત ઈશ્વરપુરી ગોસ્વામી (રહે. સચિન)ને પણ ઝડપી પાડ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો. આ બાબતે બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતી અરજીઓ થયેલી છે. આમ છતાં પણ અત્યારે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે હજુ પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈજા પામનાર આરએફઓ સોનલબેનની તબિયત હાલમાં પણ ઘણી નાજુક છે, ICUમાં તેઓને એડમિટ કરવામાં આવ્યા છે તેઓ વેન્ટીલેટર પર છે ડોક્ટર તરફથી તેમની ખુબ સારી સારવાર કરવામાં આવી રહી છે અમે પણ ડોક્ટર સાથે સતત સંપર્કમાં છીએ અમને આશા છે કે તેમની તબિયતમાં ખુબ ટુંક સમયમાં સુધારો થશે.