Surat: આવતી કાલે 27 જૂનના રોજ સુરતમાં ઇસ્કોન સંસ્થા જહાંગીરપુરા દ્વારા સ્ટેશન ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન પહોચ્યા હતા જ્યાં તેઓએ મંદિરમાં આરતી કરી દર્શન કર્યા હતા
આવતી કાલે 27 જૂનના રોજ અષાઢી બીજના રોજ સુરત શહેરમાં સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્યરથયાત્રા નીકળશે, જહાંગીરપુરા ઇસ્કોન સંસ્થા હરે કૃષ્ણ મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર પહોચ્યા હતા જ્યાં તેઓએ ભગવાનની આરતી કરી દર્શન કર્યા હતા.
જહાંગીરપુરા ઇસ્કોન મંદિર દ્વારા સુરત સ્ટેશન ખાતેથી બપોરે 3.30 કલાકે રથયાત્રા સુંદર કીર્તન ધૂનથી શરુ કરવામાં આવશે, આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાશે તેમજ આ રથયાત્રા રેલ્વે સ્ટેશનથી નીકળીને ટેક્સટાઈલ માર્કેટથી ઉધના દરવાજા, મજુરાગેટ, સરદારપુલ, અડાજણ રોડ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર જશે મંદિરમાં બધા ભક્તોને પ્રસાદ જમાડવામાં આવશે.
આ વર્ષે શ્રી જગન્નાથ રથયાત્રામાં એક મોટી બેન્ડ પાર્ટી તથા ઘોડા અને સ્વામી પ્રભુપાદની બગીમાં સવારી તથા બધા માટે શ્રી જગન્નાથ પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રા દરમ્યાન સતત બુંદી તથા હલવા પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સુરત શહેરમાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજી, ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે માર્ગો પર ઉમટી પડે છે.
આ રથયાત્રાનું મુખ્ય આકર્ષણ તેનો હાઇડ્રોલિક રથ છે. આ રથની ઊંચાઈ લગભગ 30થી 35 ફૂટ અને પહોળાઈ 20થી 22 ફૂટ છે. આ રથની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને જરૂરિયાત મુજબ નાનો કે ઊંચો કરી શકાય છે. રસ્તામાં આવતા ઝાડ કે અન્ય અવરોધોને કારણે જ્યારે રથને નાનો કરવાની જરૂર પડે, ત્યારે તેને સરળતાથી નાનો કરી શકાય છે. તેવી જ રીતે, ભક્તો ભગવાનના પૂર્ણ દર્શન કરી શકે તે માટે જરૂર પડ્યે રથને ઊંચો પણ કરી શકાય છે.
