Junagadh Rain: ગત 16 મેના રોજ ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન બાદ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા રીતસરના ઘમરોળી રહ્યા છે, એવામાં આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારથી ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં માળીયા હાટીના તાલુકામાં સૌથી વધુ 131 મિ.મી (5.1 ઈંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે વિસાવદરમાં 118 મિ.મી (4.6 ઈંચ), માંગરોળ 67 મિ.મી (2.6 ઈંચ), કેશોદમાં 55 મિ.મી (2.1 ઈંચ),માણાવદરમાં 46 મિ.મી (1.8 ઈંચ), મેંદરડામાં 44 મિ.મી (1.7 ઈંચ), વંથલીમાં 18 મિ.મી, ભેસાણમાં 18 મિ.મી અને જૂનાગઢ શહેરમાં 17 મિ.મી વરસાદ નોંધાયો છે.
ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આજે બપોરના સમયે મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
કેશોદના ચાર ચોક, રેલવે સ્ટેશન વિસ્તાર સહિત શહેરના અનેક મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રસ્તાઓ પર એટલું પાણી ભરાયું હતું કે, જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે વાહન વ્યવહારથી ધમધમતા માર્ગો પાણીથી છલકાઈ ઉઠતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આટલું જ નહીં, બજારોમાં પાણી ભરાવાની સાથે સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યાના સમાચાર સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે થોડી જ ક્ષણોમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. આ ટૂંકા સમયના ધોધમાર વરસાદે કેશોદ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. ડ્રેનેજ સિસ્ટમની અપૂરતી વ્યવસ્થા અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે શહેરના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા, જે નગરપાલિકાની નિષ્ફળતા સ્પષ્ટપણે દર્શાવે છે.
સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની શરૂઆત પહેલા જ આટલી વિકટ પરિસ્થિતિ સર્જાતા, આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો શું થશે તેવી ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.
144 તાલુકામાં નોંધપાત્ર વરસાદ
આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધી 144 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી 44 તાલુકામાં 1 ઈંચથી વધુ, 28 તાલુકામાં 2 ઈંચથી વધુ, 9 તાલુકામાં 3 ઈંચથી વધુ અને 5 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
