Surat: 'ઘરમાં પિતૃદોષ હોવાથી પૈસા ટકતા નથી'- કહી વિધિના બહાને દાગીના સેરવી લેતી રાજકોટની બેલડી ઝડપાઈ, 3 ગુનાનો ભેદ ઉકેલાયો

યુવકની માતા અને પત્નીના દાગીના ઉતરાવી પરિવારના સભ્યોને મંત્રજાપ કરવા માટે ઘરના અલગ-અલગ રૂમમાં મોકલી આપ્યા. જે બાદ તકનો લાભ લઈ બન્ને ગઠિયાઓ દાગીનાની પોટલી લઈને ફરાર થઈ ગયા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 30 Jun 2026 07:19 PM (IST)Updated: Tue, 30 Jun 2026 07:19 PM (IST)
surat-news-rajkot-duo-arrested-for-pitru-dosh-rtual-fraud-in-laskana

Surat News: સુરતની લસકાણા પોલીસને મોટી સફળતા સાંપડી છે. જેમાં 'ઘરમાં પિતૃદોષ છે, બીમારી રહે છે અને પૈસા ટકતા નથી, આથી વિધિ કરવી પડશે' તેમ કહીને વિધિના બહાને દાગીના સેરવી લેતા રાજકોટના બે યુવાનો ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા બે અને લસકાણા પોલીસ મથકમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

પાનના ગલ્લા પર મળેલા ગઠિયાઓએ પરિવાર રામદેવપીરનો ભક્ત હોવાનું જાણી પ્લાન ઘડ્યો

સુરતના લસકાણા વિસ્તારમાં રહેતો એક યુવકને કેન્સર થતા છેલ્લા બે મહિનાથી લાચાર અવસ્થામાં પથારીવશ જીવન ગુજારે છે. યુવકના પિતા નજીકમાં જ પાનનો ગલ્લો ચલાવે છે તથા તેના નાના બે ભાઈઓ નોકરી કરી યુવકની સારવારનો ખર્ચ તેમજ પરિવારનું ભરણપોષણ કરે છે. 

યુવકના પિતાના ગલ્લા પર થોડા દિવસો પહેલા બે ઈસમો આવ્યા હતા અને નાની મોટી વાતો દરમ્યાન આ પરિવાર રામદેવપીરનો ભક્ત અને મોટો પુત્ર કેન્સર પીડિત હોવાનું જાણી લીધું હતું. થોડા દિવસો બાદ તેમના ઘરે આવીને ઘરમાં પિતૃદોષ છે અને પૈસા ટકતા નથી અને ઘરમાં બીમારી રહેતી હોવાનું જણાવી વિધિ કર્યા બાદ આર્થિક મુશ્કેલી અને બીમારી પણ દૂર થઇ જશે તેમ કહ્યું હતું.

પરિવારને અલગ-અલગ રૂમમાં મંત્રજાપ કરવા મોકલી દાગીના ભરેલી પોટલી લઈને રફુચક્કર

જે બાદમાં પરિવારના તમામ સભ્યોને રૂમમાં બોલાવીને વિધિનું નાટક શરુ કર્યું હતું અને યુવકની માતા અને પત્નીના દાગીના ઉતરાવી એક કપડામાં મૂકી ઘરના મંદિરમાં મૂકાવી દીધા હતા અને બધાને મંત્ર જાપ કરવા માટે અલગ અલગ રૂમમાં મોકલી આપ્યા હતા. જે બાદ આ બંને ગઠીયા રોકડા રૂપિયા તથા 1.50 લાખની કિંમતના દાગીના વાળી પોટલી લઈને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ મામલે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ઘટનામાં તપાસ કરી રહેલી લસકાણા પોલીસની ટીમે રાજકોટ ખાતેથી કાળુનાથ લખુનાથ નકુમ (37) અને દેવાયત કાનજીભાઈ નાથબાવા (36) ને ઝડપી પાડ્યા હતા.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપીઓ રાજકોટથી બસ મારફતે સુરત શહેર ખાતે આવતા હતા અને અલગ અલગ વિસ્તારમાં ફરી કાઠીયાવાડી વિસ્તારમાં જઈ ત્યાં રહેલા ઉમર લાયક પુરુષો અને મહિલાઓને રામાપીરના મંડળે જમવા આવજો તેમ વાત કરી તેમના ઘરમાં પિતૃદોષ છે, જેથી બધા બીમાર રહે છે અને પૈસા રહેતા નથી જેથી વિધિ કરવી પડશે તેમ કહેતા હતા.

જે બાદ મહિલાઓ પાસેથી ગ્લાસ,કંકુ, ચોખા, પાણી અને સોનાના દાગીના મંગાવી વિધિ કરી ઝાપ કરાવી વિધિના બહાને ઘરેણા લઈને ફરાર થઇ જતા હતા. એટલું જ નહી આરોપીઓ છેતરપીંડીથી મેળવેલા આ ઘરેણાને ઓગળી અલગ અલગ લગડી બનાવી વેચાણ કરવા માટે પોતાની પાસે રાખી હતી.

પોલીસ તપાસમાં આવી જ રીતે આરોપીઓએ ઉત્રાણ વિસ્તારમાંથી બે લોકોના ઘરેથી દાગીના સેરવી લીધા હતા. જેથી લસકાણાની સાથે સાથે ઉત્રાણ પોલીસ મથકમાં નોંધાયેલા બે ગુનાના પણ ભેદ ઉકેલાઈ ગયા છે.

આરોપીઓએ લસકાણા વિસ્તારમાંથી 50 હજારની કિમંતની 5 ગ્રામની વીંટી તથા 1 લાખની કિમંતની 10 ગ્રામની સોનાની બુટ્ટી તથા રોકડા રૂપિયા 5100ની છેતરપીંડી કરી હતી અને દાગીનાને ઓગાળીને લગડી બનાવી હતી. પોલીસે તે પૈકી 1.50 લાખની 15.080 ગ્રામ ઓગળેલી સોનાની લગડી અને 5100 રૂપિયા જપ્ત કર્યા હતા

આ ઉપરાંત ઉત્રાણ વિસ્તારમાં 60 હજારની કિમંતની ૬ ગ્રામની સોનાની બે નંગ વીટી પડાવી લીધી હતી અને તે ઓગળીને લગડી બનાવી લીધી હતી તે પૈકી 6.050 ગ્રામ સોનાની ઓગળેલી લગડી પોલીસે જપ્ત કરી છે. તેમજ ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય એક જગ્યાએથી આરોપીઓએ 70 હજારની કિંમતની 7 ગ્રામની સોનાની બુટ્ટી પણ છેતરપીંડીથી મેળવી હતી અને તેને પણ ઓગળીને લગડી બનાવી લીધી હતી. જે પૈકી 70 હજારની કિંમતની 7.090 ગ્રામની સોનાની લગડી પણ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.