Surat: જનતાના કામોમાં બેદરકારી મુદ્દે પ્રફુલ પાનસેરિયા લાલઘૂમ, કહ્યું- "લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો"

કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 31 May 2026 01:37 PM (IST)Updated: Sun, 31 May 2026 01:37 PM (IST)
surat-news-praful-pansheriya-angry-at-suda-officials-in-kamrej

Kamrej Taluka Panchayat News: સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે રાજ્યના આરોગ્ય અને સંસદીય બાબતોના મંત્રી પ્રફુલ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પાણી ભરાવાની સમસ્યા અને વિસ્તારના પડતર પ્રશ્નોના નિકાલ માટે બોલાવાયેલી આ બેઠકમાં મંત્રીએ કામોમાં બેદરકારી દાખવતા અધિકારીઓનો ઉધડો લીધો હતો.

સુડાના અધિકારીઓ પર મંત્રીનો આક્રોશ

છેલ્લા લાંબા સમયથી સર્વિસ રોડ પર થયેલા દબાણો અને તેના કારણે સર્જાતી ટ્રાફિક તથા પાણીની સમસ્યાને લઈ મંત્રી પ્રફુલ પાનસેરિયા સુડા (SUDA) વિભાગના અધિકારીઓ પર આકરા મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે અધિકારીઓને આક્રોશ સાથે ખખડાવતા જણાવ્યું કે, "લોકોને આ રીતે (મૂર્ખ) બનાવવાનું બંધ કરો. ત્રણ-ત્રણ વર્ષથી તમે કામ નથી કરતા, તમે સુડાવાળા પોતાને શું સમજો છો? લોકોને હેરાન કરવાના ધંધા બંધ કરો."

એટલું જ નહીં, મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો હતો કે અધિકારીઓની ટીમ અત્યારે જ ફિલ્ડ પર જાય, સ્થળની મુલાકાત લઈ સમસ્યા જુએ અને આગામી બે દિવસમાં તેનો ચુસ્ત એક્શન પ્લાન રજૂ કરે.

ખોલવડ સરપંચને સસ્પેન્ડ કરવાની ચીમકી

સંકલન સમિતિની બેઠકમાં કામરેજ તાલુકાની ખોલવડ ગ્રામ પંચાયતની કામગીરી સામે પણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. મંત્રીએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગામના 50 ટકા લોકોને ગ્રામ પંચાયત દ્વારા પાણી અને લાઈટના કનેક્શન આપવામાં આવતા નથી.

આ મુદ્દે મંત્રીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) ને કડક લહેજામાં સૂચના આપતા કહ્યું કે, તેઓ પોતે ખોલવડ ગામની મુલાકાત લે અને ત્યાંના પડતર પ્રશ્નોને તાત્કાલિક હાથ પર લે. તેમણે TDO ને ચીમકી આપતા જણાવ્યું કે, "જો કોઈ કામ ન થાય તો સરપંચને સસ્પેન્ડ કરો. લોકો મારી પાસે રજૂઆત લઈને આવે તે પહેલાં મને આ બાબતનું સચોટ પરિણામ જોઈએ."

કડક સૂચના બાદ ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ

આ મહત્વપૂર્ણ બેઠકમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) સહિત નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI), GEB, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને સુડા (SUDA) સહિતના તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ચોમાસા પૂર્વેની તૈયારીઓ અને સરકારી તંત્ર વચ્ચેના સંકલનને મજબૂત કરવા માટે યોજાયેલી આ બેઠકમાં મંત્રીના આકરા વલણથી આળસુ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.