વડોદરા: ભારે વરસાદથી બાજવા ગામ જળમગ્ન, ઘરો-બજારમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત

વડોદરા નજીક બાજવા ગામ ભારે વરસાદ બાદ જળમગ્ન બન્યું. ઘરો અને બજારમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, 50 વર્ષ જૂની પાણી ભરાવાની સમસ્યાથી ગ્રામજનો પરેશાન છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 24 Jul 2026 01:35 PM (IST)Updated: Fri, 24 Jul 2026 01:35 PM (IST)
vadodara-bajwa-village-waterlogging-heavy-rain-flood-problem

Vadodara News: સંસ્કારી નગરી વડોદરા નજીક આવેલું બાજવા ગામ દર ચોમાસામાં તંત્રની પોલ ખોલી નાખે છે. ચાલુ વર્ષે પણ ચોમાસાની શરૂઆતમાં જ પડેલા થોડાક જ વરસાદમાં આખું બાજવા ગામ જળમગ્ન બની ગયું છે. ગામના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વેપારીઓને બજાર બંધ રાખવાની ફરજ પડી હતી. માત્ર રસ્તાઓ જ નહીં, પરંતુ વિધવિધ સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. 

 

50 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા

આ કોઈ એક વર્ષની સમસ્યા નથી. છેલ્લાં 50 વર્ષથી બાજવા ગામના રહીશો આ જ યાતના ભોગવી રહ્યા છે. સામાન્ય વરસાદ પડે કે તુરંત જ નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ જવા તે અહીંની કાયમી મુસીબત બની ગઈ છે. સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે વર્ષોથી આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. naidunia_image

મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યું

મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. લોકોને દૂધ, શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં અને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જ્યારે ઘરોમાં પાણી ભરાવાથી લોકોનો ઘરવખરીનો સામાન પલળીને બગડી રહ્યો છે.

ગ્રામજનોએ પાણી નિકાલની માંગ કરી 

ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે કે, પ્રશાસન અને સત્તાધીશો તાત્કાલિક ધોરણે ગામમાંથી પાણી નિકાલની વ્યવસ્થા કરે. આ સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે. જો વહેલી તકે પાણીના નિકાલનો કાયમી ઉકેલ શોધવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવાની ચીમકી પણ આપવામાં આવી છે.