Surat Rashtra Raksha Sutra Campaign: દેશની સરહદો પર દિવસ-રાત અડીખમ રહી માતૃભૂમિની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પી. પી. સવાણી ગ્રુપ (PP Savani Group) દ્વારા એક અનોખી અને ભાવસભર પહેલ કરવામાં આવી છે.
પી. પી. સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી તથા મહેશભાઈ સવાણીની પ્રેરણાથી ‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ અંતર્ગત સુરતથી 30,000થી વધુ રાખડીઓ પરમ શક્તિપીઠ વાત્સલ્યધામ, વૃંદાવન ખાતે અર્પણ માટે મોકલવામાં આવી છે.
પરમ શક્તિપીઠ વાત્સલ્યધામની સાધ્વી ઋતંભરા દેવીજી (પૂજ્ય દીદીમા)ના માર્ગદર્શન હેઠળ છેલ્લા 24 વર્ષથી ચાલી રહેલું ‘રાષ્ટ્ર રક્ષા સૂત્ર’ અભિયાન, આ વર્ષે 25માં સિલ્વર જ્યુબિલી (રજત જયંતી) વર્ષમાં પ્રવેશી રહ્યું છે. આ પાવન પ્રસંગે પી. પી. સવાણી ગ્રુપ પણ દેશની રક્ષા કરતા જવાનો પ્રત્યે સ્નેહ, અને આદરની લાગણી સાથે આ રાષ્ટ્રભક્તિના અભિયાનમાં સહભાગી બન્યું છે.
પી. પી. સવાણી ગ્રુપની દીકરીઓ દ્વારા દેશના સૈનિક ભાઈઓ માટે ખાસ પ્રેમ, લાગણી અને આશીર્વાદ સાથે રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. આ રાખડીઓ માત્ર રેશમના દોરા નથી, પરંતુ દેશની દીકરીઓ તરફથી સરહદ પર ઊભેલા પોતાના ભાઈઓને સુરક્ષા કવચ તેમજ પાઠવવામાં આવતો સ્નેહ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ છે.
પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સની મેનેજમેન્ટ ટીમ, શિક્ષકગણ તથા વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે રાખડીઓ બનાવી આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની છે. નાનાં હાથોમાંથી તૈયાર થયેલી આ રાખડીઓમાં દેશ માટે કંઈક કરવાની ભાવના અને સૈનિક ભાઈઓ પ્રત્યેનો અતૂટ સ્નેહ જોવા મળે છે.
પી. પી. સવાણી યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા પણ દેશભક્તિના ભાવ સાથે રાખડીઓ તૈયાર કરી અર્પણ કરવામાં આવી છે. દેશની યુવા પેઢી અને સરહદના જવાનો વચ્ચે સ્નેહનો આ પવિત્ર સેતુ રચવાનો આ પ્રયાસ છે. પી. પી. સવાણી હોસ્પિટલ પરિવાર તથા મેડિકલ સ્ટાફ દ્વારા દેશની રક્ષા કરતા વીર જવાનોના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુરક્ષિત જીવન માટે પ્રાર્થના સાથે રાખડીઓ સમર્પિત કરવામાં આવી છે.
હોસ્પિટલ પરિવારની ભાવના છે કે, જે જવાનો પોતાના જીવનની ચિંતા કર્યા વિના દેશવાસીઓની સુરક્ષા માટે સરહદ પર તૈનાત છે, તેમના સ્વાસ્થ્ય અને સલામતી માટે દેશનો દરેક નાગરિક હૃદયપૂર્વક પ્રાર્થના કરે.
સુરતથી વૃંદાવન અને ત્યાંથી સરહદ સુધી પહોંચશે સ્નેહસૂત્ર
પી. પી. સવાણી ગ્રુપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી 30,000થી વધુ રાખડીઓ સુરતથી પરમ શક્તિપીઠ વાત્સલ્યધામ, વૃંદાવન ખાતે પરમ પૂજ્ય સાધ્વી ઋતંભરા દેવીજી(દીદીમાં) સુધી પહોંચતી કરવામાં આવશે, જ્યાં દીદીમાં દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીની વિશેષ ઉપસ્થિતિમાં આ તમામ રાખડીઓ અર્પણ કરવામાં આવશે. જે બાદ કચ્છ બોર્ડરથી લઈને લેહ-લદાખ બોર્ડર સુધી દેશની સરહદો પર તૈનાત વીર સૈનિકો સુધી આ રાખડીઓ પહોંચાડવામાં આવશે.
આ પહેલ દ્વારા સુરતની દીકરીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, યુવાનો, હોસ્પિટલ પરિવાર અને સમગ્ર પી. પી. સવાણી ગ્રુપ તરફથી સરહદ પર તૈનાત જવાનો સુધી એક જ સંદેશ પહોંચશે— ‘તમે સરહદે એકલા નથી, સમગ્ર દેશ તમારી સાથે છે.’
પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, માતૃભૂમિની રક્ષા કરતા આપણા વીર સૈનિકો માટે આ માત્ર એક રાખડી નથી; આ દેશની દીકરીઓ, બહેનો અને સમગ્ર સમાજના હૃદયમાંથી નીકળેલો સ્નેહ, આદર અને આશીર્વાદ છે. ‘એક રાખી, એક સૈનિક, એક રાષ્ટ્ર’ના ભાવ સાથે આ રાષ્ટ્ર રક્ષા સૂત્ર આપણા જવાનો સુધી પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે. સરહદ પર તૈનાત દરેક જવાનને એ અહેસાસ થવો જોઈએ કે સમગ્ર ભારત પરિવારની જેમ તેમની સાથે ઊભું છે.
