Surat: પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના 18મા સમૂહલગ્ન 'કોયલડી'ના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં 'કોયલડી’ સમાન પિતાવિહોણી 133 દીકરીઓના સમૂહલગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે 'સેવા સંગઠન એપ્લિકેશન'નું લોન્ચિંગ કરાયું હતું.
પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રીએ પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે, સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ સમૂહલગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ પ્રેરક પહેલે અનેક સામાજિક સંસ્થાઓને દિશા આપી છે.
કુદરતે આ દીકરીઓને કદાચ તેમના માતા-પિતાથી વિખૂટી પાડી હશે, પરંતુ ભગવાને પિતા તરીકે મહેશભાઈ સવાણીને મોકલીને આ દીકરીઓના ચહેરા પર ખુશી અને જીવનમાં નવો વિશ્વાસ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં તેમણે સવાણી પરિવારના સામાજિક કાર્યને બિરદાવતાં જણાવ્યું હતું કે, માતા-પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપી તેમના લગ્ન અને લગ્ન બાદ પણ સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય સમૂહલગ્નથી પણ અનેકગણું મહાન છે. પ્રથમ સમૂહલગ્નથી લઈને આજના 18મા સમૂહ લગ્ન સુધી સવાણી પરિવારે સેવા અને સંવેદનાનો દીવો સતત પ્રજ્વલિત રાખ્યો છે. આ માત્ર લગ્ન સમારોહ નહીં, પરંતુ માનવતાનો મહોત્સવ છે. ઘરમાં થતા પરંપરાગત લગ્નથી વિશેષ શ્રીમંત પરિવારના લગ્ન હોય એ રીતે, તમામ વિધિઓ સાથે લગ્ન યોજી દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનું કાર્ય પ્રશંસનીય છે.
આવનારા સમયમાં 50મા સમૂહ લગ્ન સુધી પણ આ સેવાયાત્રા આવી જ લાગણી અને ઉત્સાહ સાથે આગળ વધતી રહે અને સમાજને નવી દિશા આપે એવી ભાવના વ્યક્ત કરી નાયબ મુખ્યમંત્રીએ દીકરીઓને સન્માનજનક વિદાય આપવાની આ પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે એમ જણાવી સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ, તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, કોયલડી લગ્ન 133 કન્યા પૈકી 90 ટકા કન્યા એવી છે કે, એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીઓ સાસરે જશે. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે. જેમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિકતા છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાધાન્ય આપીએ છીએ.
આ વેળાએ લેખક, વિચારક શૈલેષભાઈ સગપરિયા લિખિત વલ્લભભાઈ સવાણીના જીવનચરિત્ર પરના પુસ્તક ‘આરોહણ’ અને મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર પર ડો.જિતેન્દ્ર અઢિયાએ લખેલા ‘પુસ્તક પ્રેરણામૂર્તિ અને લગ્ન થયેલી પિતાવિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક ‘કોયલડી’ નું વિમોચન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, વિષ્ણુભાઈ પંડ્યા, પરેશભાઈ રાઠવા, કનુભાઈ ટેલર અને મથુરભાઈ સવાણી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો, ઉદ્યોગ અગ્રણી ફારુકભાઈ પટેલ, લવજીભાઈ ડાલિયા સહિત અધિકારીઓ, સંતોમહંતો સહિત પરિવારજનોએ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા.
દીકરીઓને આજીવન સહયોગ માટે 'સેવા સંગઠન એપનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોન્ચિંગ
દીકરીઓને આજીવન સહયોગ માટે “સેવા સંગઠન” એપનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોન્ચિંગ કર્યું હતું. જેનો હેતુ ઈશ્વર નહી કરે ને પિતાવિહોણી કોઈ દીકરી લગ્ન બાદ ગંગાસ્વરૂપ થાય તો આ સેવા સંગઠન આર્થિક સહાય કરે છે. આ સાથે જ એના બાળકના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે.
આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. પી.પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11000 દીકરી–જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે. જેને ડિજીટલ સ્વરૂપ આપી સેવા સંગઠન મોબાઈલ એપ બનાવી છે. જમાઈઓની ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમની માહિતી અને મદદ મળશે. સેવા સંગઠનના સભ્યો તમામ કાર્યક્રમોની અપડેટ્સ, એપ વડે નિયમિત રીતે મળી રહેશે.
