Surat: શહેરના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષીય સગીરાનું અપરહણ કરનારને પોલીસે બોટાદના માંડવા ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે તરુણીને પણ મુક્ત કરાવી હતી. આજે પોલીસે આરોપીને સાથે રાખીને રિકન્ટ્રકશન પંચનામું કર્યું હતું, ત્યારે પોલીસ જિંદાબાદના નારા લાગ્યા હતા
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની 17 વર્ષીય તરુણીને પ્રેમજાળમાં ફસાવીને આરોપી ભગાડી ગયો હતો. આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
આ દરમ્યાન 35 દિવસ વીત્યા છતાં કાર્યવાહી ન થઇ હોવાના આક્ષેપ સાથે આગેવાનો પોલીસ મથકે પહોચીને રજૂઆત પણ કરી હતી. લોકોનો રોષ પારખીને આ સમગ્ર મામલાની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોપવામાં આવી હતી. આ બનાવમાં તપાસ કરી રહેલી સરથાણા પોલીસની ટીમે આરોપીને બોટાદના માંડવા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત તરુણીને મુક્ત કરાવી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીનું નામ અરવિંદ કિશોરભાઈ પંચાસરા છે, જે પરણિત છે અને બે સંતાનનો પિતા છે. આજે પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રીકન્ટ્રકશન પંચનામું કર્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા અને ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી.
પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે, અમને ક્રાઈમ બ્રાંચ પર ભરોસો હતો અને અમારી માંગણી હતી કે, આ પ્રકારે નરાધમોને ખુલ્લે આમ સમાજની વ્યવસ્થા ખોરવવાનું જે લોકો કામ કરતા હોય છે અને લુખ્ખાઓ અસામાજિક તત્વો નાની દીકરીઓને ફોસલાવી હેરાન કરતા હોય છે.
આવી વ્યવસ્થાઓને ખોરવનારા જે લુખ્ખાઓ છે, તેમનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેમની સરભરા કરવામાં આવે. આ દિશામાં પોલીસે કામ કર્યું છે. પોલીસની કામગીરીથી અમને સંતુષ્ટ છે, પરંતુ આ નરાધમોને જે પનાહ આપે છે જે સહયોગ કરે છે જે લોકો આવા કેસોની અંદર આર્થિક મદદ કરી રહ્યા છે. એવા લોકોને સહ આરોપી બનાવી આ ગુનાની અંદર નામજોગ એફઆરઆઈ કરી આવા લોકોને પણ જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી માંગ છે.
