Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. જેમાં એક NRI અશ્વપ્રેમી પોતાના પાળેલા ઘોડાને ગાજર ખવડાવી રહ્યા હતા, ત્યારે ઘોડો ગાજરની સાથે માલિકના જમણા હાથનો આખો અંગૂઠો જ ચાવી ગયો હતો. જો કે સુરતના તબીબોએ 4 કલાક સુધી ચાલેલા જટિલ ઓપરેશનને અંતે કપાયેલા અંગૂઠાને ફરીથી પંજા સાથે સફળતાપૂર્વક જોડી આપ્યો છે.
ગાજરની સાથે-સાથે NRIનો અંગુઠો પણ ઘોડાના મોંઢામાં આવી ગયો
મૂળ માંગરોળના નાની નરોલી ગામના ટાંકી ફળિયાના વતની અને હાલ લંડનના માન્ચેસ્ટર ખાતે રહેતા સલીમ સુલેમાન સીદાત (45) અશ્વપ્રેમી છે. તેમણે પોતાના વતનમાં આવેલા ફાર્મ હાઉસ પર ચાર જેટલા ઘોડા પાળ્યા છે અને તેમની સંભાળ માટે તેઓ અવારનવાર યુકેથી વતન આવતા રહે છે.
તાજેતરમાં જ સલીમભાઈએ રૂપિયા 10 લાખથી વધુની કિંમતનો 'સિંધી' જાતિનો એક નવો ઘોડો ખરીદ્યો હતો, જેની તાલીમ માટે તેઓ ગત સપ્તાહે જ લંડનથી વતન આવ્યા હતા.
ગતરોજ સલીમભાઈ ફાર્મ હાઉસ પર ટ્રેનર સાથે ઘોડાની તાલીમ અંગે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ પોતાના આ નવા પાળેલા ઘોડાને વહાલથી ગાજર ખવડાવી રહ્યા હતા, ત્યારે અચાનક ઘોડો ગાજરની સાથે સલીમભાઈના જમણા હાથનો અંગૂઠો પણ મોઢામાં ચાવી ગયો હતો. ઘોડાની પકડ એટલી મજબૂત હતી કે અંગૂઠો હાથના પંજામાંથી આખો છૂટો પડીને ઘોડાના મોઢામાં જ ચાલ્યો ગયો હતો.
ફાર્મના કર્મચારીઓએ માંડ-માંડ ઘોડાના મોંઢામાંથી અંગુઠો કાઢ્યો
ગંભીર રીતે ઈજાગ્રસ્ત સલીમભાઈને તાત્કાલિક સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કપાયેલો અંગૂઠો હજુ ઘોડાના મોઢામાં જ હતો. પરિવારજનો અને ફાર્મના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવીને આશરે એક કલાકના પ્રયાસો પછી ઘોડાના મોઢામાંથી અંગૂઠાનો એ ભાગ બહાર કાઢ્યો હતો. જે બાદ આ કપાયેલા ભાગને બરફના બોક્સમાં સુરક્ષિત રાખીને સુરતના અડાજણ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.
હોસ્પિટલ ખાતે નિષ્ણાંત સર્જનોની ટીમે તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ચાર કલાક સુધી જટિલ માઇક્રો સર્જરી કરી હતી અને અંગૂઠાને ફરીથી પંજા સાથે સફળતાપૂર્વક જોડી આપ્યો હતો, આટલી મોટી દુર્ઘટના અને અસહ્ય પીડા ભોગવ્યા બાદ પણ સલીમભાઈનો ઘોડાઓ પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો થયો નથી.
પરિવારના જણાવ્યા અનુસાર, સલીમભાઈનો અશ્વપ્રેમ આજે પણ પહેલા જેવો જ અકબંધ છે, તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ફરીથી પોતાના ઘોડાઓની સંભાળ જાતે જ રાખશે તેવી મક્કમ ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે.
