Ahmedabad Dog Attack: શહેરના વસ્ત્રાપુર વિસ્તારની લાડ સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતાં યુવકના 9 વર્ષીય પુત્ર પર પાલતું રોટવિલર શ્વાને હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
બંગલાની બહાર બેસીને મોબાઈલ ગેમ રમતા બાળક પર અચાનક શ્વાને હુમલો કર્યો
આ અંગે દિનેશભાઈ નામના વ્યક્તિએ કૂતરાના માલિક અલ્પાબેન રાજપૂત વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગઈકાલે તેઓ લાડ સોસાયટીના બંગલા નંબર 17માં કામકાજ કરવા ગયા હતા. આ સમયે તેમને 9 વર્ષીય પુત્ર અશ્વિન બંગલાના ગેટ પાસે બેસીને મોબાઈલ ગેમ રમવામાં મશગુલ હતો.
આ સમયે સોસાયટીમાં ખુલ્લેઆમ ફરતા 'હેઝલ' નામના રૉટવિલર શ્વાને અચાનક અશ્વિન ઉપર હુમલો કરી દીધો હતો. કૂતરાના હુમલામાં અશ્વિનને માથાના ભાગે તેમજ આંખમાં ગંભીર ઈજા પહોંચી છે.
અશ્વિનની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને કૂતરાની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. જે બાદ અશ્વિનને તાત્કાલિક સારવાર અર્થે વસ્ત્રાપુર તળાવ નજીક આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઊંડા ઘાવ હોવાથી તબીબોએ ટાંકા લેવા પડ્યા છે.
હાલ તો દિનેશભાઈની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે કૂતરાના માલિક અલ્પાબેન રાજપૂત વિરુદ્ધ બેદરકારી દાખવવા અને પાળતુ શ્વાનને કાબૂમાં રાખવા માટે જરૂરી તકેદારી ના દાખવવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાથીજણમાં રોટવિલરે 5 માસની બાળકીને ફાડી ખાધી હતી
આજથી એક વર્ષ અગાઉ શહેરના હાથીજણ વિસ્તારની રાધે રેસિડન્સીમાં પણ રોટવિલરના હુમલાની ઘટના સામે આવી હતી. જેમાં ફ્લેટમાં રહેતી એક સગીરા પોતાની 4 માસની ભાણીને ખોળામાં લઈને રમાડતી હતી. આ સમયે ફ્લેટમાં રહેતા દિલીપ પટેલની પુત્રી રિદ્ધિ રોટવિલર શ્વાનને લઈને નીચે આવી હતી. આ દરમિયાન રૉટવિલર શ્વાને માસી અને ભાણી પર હુમલો કરી દીધો હતો.
જેમાં રૉટવિલરે 4 માસની બાળકીનું માથું મોંઢામાં લઈને જોરથી દબાવી દેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. આ મામલે પણ મૃત બાળકીના પિતાએ વિવેકાનંદનગર પોલીસ મથકમાં રોટવિલર શ્વાનના માલિક દિલીપ પટેલ અને તેમની પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
