Surat: સુરત શહેરમાં એક યુવતીની જુનિયર કોચ દ્વારા છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ વેસુ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસે જુનિયર કોચની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાષ્ટ્રીયકક્ષાએ રનીંગમાં શહેરનું નામ રોશન કરતી એક યુવતીએ વેસુ પોલીસ મથકમાં તેના જુનિયર કોચ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કેમ્પસમાં યુવતી રનીંગની તાલીમ લેતી હતી. જ્યાં યુવતી સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ જુનિયર કોચ અમિત જગદંબા શર્મા (રહે. પાંડેસરા) પાસેથી તાલીમ લઈ રહી હતી.
પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન જુનિયર કોચ અમિત શર્મા અવાર નવાર તેનો પીછો કરતો હતો અને એકલતાનો લાભ લઈને હાથ પકડી છેડછાડ કરતો હતો.
લંપટ કોચે શારીરિક અડપલા કરીને યુવતીને કહ્યું હતું કે, તું મને ખુબ જ પસંદ છે. તું મારી સાથે પ્રેમ સબંધ રાખ. જો કે યુવતીએ ઇનકાર કરતા તેને બીભત્સ ગાળો બોલી માર મારવાની ધમકી આપી હતી. આખરે આ મામલો વેસુ પોલીસ મથકે પહોચતા પોલીસે જુનીયર કોચ અમિત જગદંબા શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
