Surat: તુર્કીવાડ સહિતના વિસ્તારોનું નામ બદલવાની માંગ, સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો

તુર્કીવાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા હોય તેની એક યાદી બનાવી તમામ નામો કાઢી રાષ્ટ્રવાદી નામોથી નવું નામકરણ થાય

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 23 May 2025 10:40 PM (IST)Updated: Fri, 23 May 2025 10:40 PM (IST)
surat-news-mp-mukesh-dalal-letter-to-municipal-commissioner-change-the-name-turkeywad-area
HIGHLIGHTS
  • દુશ્મન દેશોના નામથી વિસ્તાર ઓળખાય, એ દેશના જવાનોનું અપમાન

Surat: સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ દ્વારા સુરત મનપા કમિશ્નરને સુરતના વિસ્તારોના નામ બદલવા બાબતે પત્ર લખીને રજૂઆત કરી છે. પત્રમાં સમગ્ર શહેરમાં જે કોઈ વિસ્તારો તુર્કીવાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા હોય તેની એક યાદી બનાવી એ તમામ નામો કાઢી નાંખી નવા ઉચિત પ્રજાની લાગણી અને માંગણીને સંતોષે એવા નવા ઉચિત રાષ્ટ્રવાદી નામોથી નવા નામકરણ કરવાની કાર્યવાહી ઝડપથી કરવા રજૂઆત કરી છે.

સાંસદ મુકેશભાઈ દલાલએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સામાન્યતઃ શહેરોમાં ગલીઓ, મોહલ્લાઓ, મુખ્ય રસ્તાઓ કે બસ્તીઓ વગેરેના નામકરણ પાછળ કોઈને કોઈ ઇતિહાસ હોય છે. આ નામકરણ જે તે વિસ્તારોની ઐતિહાસિક, ભૌગોલિક કે સાંસ્કૃતિક ઓળખ બનતી હોય છે. રાષ્ટ્રના કે રાજ્યના કે શહેરના મહાપુરુષો કે જે તે વિસ્તારના સામાજિક-રાજકીય અગ્રણીઓ કે દેશના શહીદોના નામ પરથી નામકરણ થતા હોય છે અને તેમાં ઔચિત્ય પણ હોય છે કે આવનારી પેઢી તેઓને નામ અને તેઓના કામથી તેઓને ઓળખે.

જો કે આજે દુઃખ અને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે, સુરત શહેરના ઘણા વિસ્તારો એવા નામથી ઓળખાય છે જે ભારતના દુશ્મન દેશોના છે. જે દેશો ભારતની આતંકવાદને, કટ્ટર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન અને સપોર્ટ આપી દેશમાં અસ્થિરતા સર્જતા હોય તેમ જ દેશની એકતા અને અખંડિતતા ને જોખમ રૂપ હોય એવા દેશોના નામકરણ કેમ ચલાવી લેવાય?

આજે શહેરમાં ઘણા વિસ્તારો તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન એવા દેશનાં કટ્ટર દુશ્મન દેશોના નામથી ઓળખાય છે. જે દેશના વીર જવાનોનું અપમાન છે. સુરતીઓનું અપમાન છે. એક બાજુ પહેલગામમાં પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓ દ્વારા કાયરતા યુક્ત કૃત્ય બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશના વીર જવાનો સાહસ અને શોર્ય બતાવી આતંકવાદીઓની કતલે આમ કરતા હોય, તેઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરતા હોય ત્યારે બીજી બાજુ સુરત શહેરમાં આવા પ્રકારના નામકરણ બિલકુલ પણ ચલાવી લેવામાં આવશે નહીં.

આથી મારી માંગણી છે કે સમગ્ર શહેરમાં જે કોઈ વિસ્તારો તુર્કીવાડ, પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા હોય તેની એક યાદી બનાવી એ તમામ નામો કાઢી નાંખી નવા ઉચિત પ્રજાની લાગણી અને માંગણીને સંતોષે એવા નવા ઉચિત રાષ્ટ્રવાદી નામોથી નવા નામકરણ કરવાની કાર્યવાહી ઝડપથી કરવી.