Surat: કડોદરામાં ગમખ્વાર અકસ્માત, પતિની નજર સામે જ બેકાબુ ટ્રેલરે પત્ની-પુત્રને ચગદી નાંખ્યા, ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર સર્વિસ રોડની રેલિંગ સાથે ભટકાયું. જીવ બચાવવા ભાગેલા માતા-પુત્રને અડફેટમાં લઈ ચગદી નાંખ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Apr 2025 07:36 PM (IST)Updated: Fri, 11 Apr 2025 07:36 PM (IST)
surat-news-mother-and-son-died-due-to-road-accident-on-kadodara-national-highway
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • મુંબઈ જવા નીકળેલા બારડોલીના પરિવારને કાળનો ભેટો થયો

Surat: સુરત જિલ્લાના કડોદરા ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં મુંબઈ જવા માટે ઉભા રહેલા બારડોલીના માતા-પુત્રનું ટ્રક ટ્રેલર હેઠળ કચડાઈ જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને બારડોલીના જનતાનગરમાં રહેતા યોગેશ શાહ (30)ને પત્ની કિંજલ (30) અને સાડા ચાર વર્ષના દીકરા દિયાન સાથે મુંબઈ જવાનું હતુ. આથી યોગેશ શાહનો પિતરાઈ મનિષ શાહ કાર લઈને ભાઈ-ભાભી અને ભત્રીજાને કડોદરા બ્રિજ ઉતરીને મુંબઈ તરફ જતા રસ્તા પર ઉતાર્યા હતા.

આ દરમિયાન કામરેજ તરફથી પુરપાટ આવતા ટ્રક ટ્રેલરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડની રેલિંગ સાથે પોતાનું વાહન અથડાવ્યું હતુ. આથી યોગેશ શાહ તેમના પત્ની અને પુત્રને લઈને જીવ બચાવવા દોડ્યા હતા. જો કે બેકાબુ ટ્રક ટ્રેલરે માતા કિંજલ અને પુત્ર દિયાનને ઠોકરે ચડાવતા બન્ને નીચે પટકાયા હતા. જે બાદ ટ્રકના તોતિંગ વ્હીલ માતા-પુત્ર પર ફરી વળ્યા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં કડોદરા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જેણે તપાસી માતા-પુત્રને મૃત જાહેર કર્યાં હતા. જે બાદ કડોદરા પોલીસે માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પલસાણા સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. હાલ તો કડોદરા પોલીસે યોગેશ શાહની ફરિયાદના આધારે ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. (In Pic: ફાઈલ ફોટો)