ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, પવનના સૂસવાટા અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો

બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકો ભીંજાયા. વાહન ચાલકોને ભારે હાલાકી. અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Apr 2025 06:57 PM (IST)Updated: Fri, 11 Apr 2025 07:11 PM (IST)
bhavnagar-news-unseasonal-rain-across-the-district-amead-summer
HIGHLIGHTS
  • વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં રાહત, પરંતુ કરા વરસતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ

Bhavnagar: છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી આગ ઓકતી ગરમી પડતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જો કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના દસેક જેટલા જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઈકાલ રાતથી કેટલાક ભાગોમાં ગરમીને બ્રેક લાગી ગઈ છે. જ્યારે આજે બપોર બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

ગઈકાલે રાતે પણ ભાવનગર પંથકમાં તોફાની પવન ફૂંકાયો હતો. જે બાદ આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો ફૂંકાવા સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. થોડીવારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ સમયે કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો.

ખાસ કરીને કુંભારવાડા, વડવા, નારી રોડ અને વડલા સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે તૂટી પડેલા વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જેના પરિણામે વાહન ચાલકો અટવાયા હતા. કેટલાક ભાગોમાં આકાશમાંથી કરા પડતાં રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

બીજી તરફ ભરઉનાળે વરસાદ વરસતા છેલ્લા કેટલાક દિવસોથી ગરમીથી શેકાતા લોકોને હાશકારો થયો હતો. બીજી તરફ ખેડૂતો ઉનાળુ પાકમાં નુકસાનની ભીતિ સેવી રહ્યા છે.