Botad: હિન્દુ ધર્મમાં દર ચૈત્ર મહિનાની પૂનમની તિથિએ આવતી હનુમાન જયંતિનું વિશેષ મહત્ત્વ છે, ત્યારે આ વર્ષે આવતીકાલે એટલે કે 12 એપ્રિલના રોજ હનુમાન જયંતિનું પર્વ મનાવવામાં આવશે. બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિને લઈને આજે વહેલી સવારથી કાર્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે.
સાળંગપુરધામ ખાતે બે દિવસના કાર્યક્રમને લઈને મંદિર પરિસરને શણગારી દેવામાં આવ્યું છે. જ્યારે આજે સવારે સાડા સાત કલાકે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતુ. જેમાં 1008 જેટલા પુષ્પોથી કષ્ટભંજન હનુમાનદાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. જે બાદ બપોરે 4 વાગ્યાથી કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવશે.
આ સિવાય આજે રાતે સાડા 8 કલાકની આસપાસ કિંગ ઑફ સાળંગપુર સમક્ષ હજારો દીવડાઓ સાથે સાંધ્ય આરતી કરવામાં આવશે. જે બાદ ભવ્ય આતશબાજી સાથે કષ્ટભંજન દેવનું સ્વાગત કરવામાં આવશે. રાતે 9 કલાકે ગુજરાતી લોકગાયક જીગરદાન ગઢવી દ્વારા સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે.
જો આવતીકાલના કાર્યક્રમની વાત કરીએ તો, સવારે 5 વાગ્યે મંગળા આરતી થશે, આ સમયે પણ ભવ્ય આતશબાજી કરવામાં આવશે. જે બાદ સાડા 7 કલાકે 250 કિલો કેક કાપવામાં આવશે. જ્યારે 11 વાગ્યે મહાઅન્નકૂટ અને સાંજે 7 કલાકે મહાસંધ્યા આરતી યોજાશે. દાદાના દર્શને આવતા ભક્તોને કોઈ અગવડ ના પડે, તે માટે 3 હજારથી વધુ સ્વયંસેવકો સતત ખડેપગે રહેશે.
