સુરતમાં દિવાળીના પર્વે ફટાકડાની દુર્ઘટનાઓમાં 20થી વધુ લોકો દાઝ્યા, બાળકો અને વૃદ્ધો પણ ઇજાગ્રસ્ત

નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાઝેલા 10 દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ આશરે 10 દર્દીઓ દાઝેલી હાલતમાં પહોંચ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Nov 2026 03:31 PM (IST)Updated: Mon, 09 Nov 2026 03:31 PM (IST)
surat-news-more-than-20-people-burnt-in-firecracker-accidents-during-diwali

Surat News: સુરત શહેરમાં દિવાળીની ઉજવણી દરમિયાન ફટાકડા ફોડતી વખતે લોકો દાઝી ગયા હોવાના બનાવો પણ બન્યા હતા, તહેવારની ખુશીઓ વચ્ચે ફટાકડાના કારણે સર્જાયેલા અકસ્માતોમાં બાળકો અને વૃદ્ધો સહિત 20થી વધુ લોકો દાઝી ગયા હતા, અલગ-અલગ વિસ્તારોમાં બનેલી આ ઘટનાઓમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પડી હતી.

મળતી વિગતો અનુસાર, શહેરના સચિન, કતારગામ અને મોટા વરાછા સહિતના વિસ્તારોમાં ફટાકડા ફોડતી વખતે અનેક અકસ્માતો સર્જાયા હતા. ક્યાંક ફટાકડા હાથમાં જ ફૂટી જતાં લોકો દાઝ્યા હતા, તો ક્યાંક ફટાકડામાંથી ઉડેલા તણખા અને અચાનક થયેલા વિસ્ફોટની અસરથી નજીકમાં ઊભેલા લોકો પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. આ બનાવોમાં બાળકો અને વડીલો પણ ફટાકડાની ઝપેટમાં આવ્યા હતા. આ ઘટનાઓને પગલે તહેવારની ખુશીઓ વચ્ચે અસરગ્રસ્ત પરિવારોમાં દોડધામ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.

ઘટનાઓ બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની સરકારી અને પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દાઝેલા 10 દર્દીઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં પણ આશરે 10 દર્દીઓ દાઝેલી હાલતમાં પહોંચ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ગંભીર રીતે દાઝેલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરી વિશેષ બર્ન્સ વોર્ડમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે.

દિવાળીના તહેવાર દરમિયાન બનેલી આ ઘટનાઓ ફટાકડા ફોડતી વખતે સલામતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. ખાસ કરીને બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે માતા-પિતા અથવા વડીલોની દેખરેખ અત્યંત જરૂરી છે. ફટાકડા હંમેશાં ખુલ્લી જગ્યામાં અને સુરક્ષિત અંતર જાળવીને ફોડવા જોઈએ. સાથે જ અકસ્માતની સ્થિતિમાં તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે નજીકમાં પાણી અથવા રેતીની વ્યવસ્થા રાખવી પણ જરૂરી છે. થોડીક ક્ષણોની બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે, તેથી તહેવારની ઉજવણી સાથે સુરક્ષાને પણ પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.