સુરતમાં દિવાળીના તહેવાર દરમિયાન આગની 195 ઘટનાઓ, ફાયર વિભાગ આખી રાત દોડતું રહ્યું

શહેરના વિવિધ વિસ્તારોમાંથી આગ લાગવાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 09 Nov 2026 03:22 PM (IST)Updated: Mon, 09 Nov 2026 03:26 PM (IST)
195-fire-incidents-reported-in-surat-during-diwali-festival

Surat News: સુરત શહેરમાં દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ફટાકડાના કારણે તેમજ અન્ય વિવિધ કારણોસર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આગના બનાવો બનતા ફાયર વિભાગ સતત દોડતું રહ્યું હતું. 8 તારીખની મધરાતથી લઈને આજે સવારે 10 વાગ્યા સુધીના સમયગાળામાં ફાયર વિભાગને આગ સંબંધિત કુલ 195 જેટલા કોલ મળ્યા હતા.

દિવાળીના દિવસો દરમિયાન આગની ઘટનાઓને પગલે ફાયર વિભાગનો કંટ્રોલ રૂમ સતત કાર્યરત રહ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાંથી આગ લાગવાની જાણકારી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. સતત મળતા કોલને કારણે ફાયર વિભાગના જવાનો આખી રાત આગ બુઝાવવાની કામગીરીમાં વ્યસ્ત રહ્યા હતા.

ફાયર વિભાગને મકાનો, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ગોડાઉન, દુકાનો, ફેક્ટરીઓ, ઝૂંપડાં, શો-રૂમ, ખેતરો, તબેલાં તેમજ ફટાકડાની દુકાનોમાં આગ લાગવાના કોલ મળ્યા હતા. દરેક ઘટનામાં ફાયર ટીમોએ સમયસર પહોંચી આગને વધુ ફેલાતી અટકાવવી આગ પર કાબુ મેળવ્યો હતો.

શહેરમાં આગના બનાવોના 195 કોલ ફાયર વિભાગને મળ્યા હતા જો કે રાહતની વાત એ રહી કે કોઈપણ ઘટનામાં જાનહાનિ નોંધાઈ નથી. એટલું જ નહીં, આ તમામ બનાવોમાં કોઈ ગંભીર ઈજા થઈ હોવાના અહેવાલ પણ સામે આવ્યા નથી.

ફાયર વિભાગને મળેલા કોલની વિગત

મકાન 28
ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ 11
ગોડાઉન 2
દુકાન 4
ફેક્ટરી 1
ઝૂંપડા 8
ખેતર 11
બચાવ કામગીરી 4
ઈતર 10
કચરો 86
વાહન 9
ઝાડ 9
ભંગાર 1
લાકડા 4
ગેસ 3
સર્વિસ સ્ટેશન 1
ફટાકડા ની દુકાન 1
તબેલા ની અંદર 1