સુરતમાં 24 કલાકમાં આગની ત્રણ મોટી ઘટના: વેસુના ફ્લેટમાં ફસાયેલા 11 લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું

ત્રણેય ઘટનામાં સુરત ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી કોઈ જાનહાની નોંધાઈ નથી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 22 May 2026 01:12 PM (IST)Updated: Fri, 22 May 2026 01:12 PM (IST)
surat-fire-incidents-in-vesu-dabholi-pandesara-fire-department-rescue
HIGHLIGHTS
  • સુરતમાં 3 અલગ-અલગ જગ્યાએ ભીષણ આગ
  • વેસુ વિસ્તારના ફ્લેટમાં 11 લોકોનું રેસ્ક્યુ કરાયું

Surat fire incident: સુરત શહેરમાં અલગ અલગ ત્રણ જગ્યાએ આગ લાગવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વેસુ, ડભોલી અને પાંડેસરા વિસ્તારમાં આ આગની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ફાયર વિભાગની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે.

વેસુના ફ્લેટમાં આગ, 11 લોકોનું કરાયું રેસ્ક્યુ

પહેલી ઘટના સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા જૈનમ ગ્રાન્ડ અલ્ટીયાના સી બિલ્ડીંગમાં બની હતી, જ્યાં 9 માં માળે આવેલા એક બંધ ફ્લેટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગ અને ધુમાડાના ગોટેગોટાના કારણે બિલ્ડિંગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઉપરના માળે રહેતા લોકો ફસાઈ ગયા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે ફસાયેલા 11 જેટલા લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું. ફ્લેટ બંધ હોવાથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ ઘરવખરીના સામાન અને ફર્નિચરને મોટું નુકસાન થયું છે.

ડભોલીમાં ઈ-કોમર્સ કંપનીના ગોડાઉનમાં આગ

બીજી ઘટના ડભોલી વિસ્તારમાં બની હતી, જ્યાં રાત્રિના સમયે ઓનલાઇન ખરીદી માટેની વસ્તુઓ સંગ્રહિત કરી રાખવાના એક વિશાળ ખાનગી ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ઓનલાઇન વેચાણ માટે રાખવામાં આવેલ ઇલેક્ટ્રોનિક સામાન, કપડાં, પ્લાસ્ટિકની વસ્તુઓ, હોમ એપ્લાયન્સિસ અને પેકિંગ માટેના કાર્ટુન બોક્સનો મોટો જથ્થો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

પાંડેસરાના ખુલ્લા પ્લોટમાં આગ, રિક્ષા બળીને ખાખ

ત્રીજો બનાવ પાંડેસરા વિસ્તારના ડુંડી ગામમાં બન્યો હતો. અહીં એક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરા અથવા જ્વલનશીલ સામગ્રીમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે પ્લોટમાં પાર્ક કરેલી એક રીક્ષા પણ તેની ઝપેટમાં આવીને બળી ગઈ હતી.

આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં પણ કોઈ જાનહાની નોંધાઈ નથી. ત્રણેય ઘટનાઓમાં સુરત ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટો અનર્થ ટળી ગયો હતો.