Surat: ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ-2026'માં પ્રથમ દિવસ તા.9મી જાન્યુઆરી શુક્રવારે અંદાજિત 65 હજારથી વધુ અને બીજા દિવસે, તા.10મી જાન્યુઆરી શનિવારના રોજ ફૂલગુલાબી ઠંડીમાં અંદાજિત 1.50 લાખથી વધુ સહેલાણીઓ બીચની મોજ માણવા ઉમટ્યા હતા.
સુવાલી ફેસ્ટિવલમાં પ્રથમ દિવસે ભારતના સુપ્રસિદ્ધ લોકગાયક ઓસમાણ મીર અને આમિર મીર તેમજ દ્રિતીય દિવસે ગાયીકા ભૂમિ ત્રિવેદીના ગીતો પર સુરતીઓ મન મૂકીને નાચ્યા હતા.
સુરતીઓનો મિજાજ જ કંઈક અલગ છે એમ જણાવતા ધારાસભ્ય સંદિપ દેસાઈએ જણાવ્યું કે, સુરતીઓ સુવાલી દરીયાકિનારે ફૂલગુલાબી ઠંડીમાં પરિવાર સાથે ફેસ્ટિવલની મજા માણવા લાખ્ખોની સંખ્યામાં અહીં ઉમટી પડ્યા છે. આજે જ્યારે આપણી લોકપ્રિય ગાયિકા ભૂમિ ત્રિવેદીના સંગીતના તાલે આપ સૌને ઝૂમતા જોયા છે. બીચ ફેસ્ટિવલના માધ્યમથી સુવાલીને પ્રવાસન નકશા પર એક નવી ઓળખ મળી છે.
આ વર્ષે ફેસ્ટિવલમાં ભીડના વ્યવસ્થાપન અને સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વહીવટીતંત્ર દ્વારા AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) જનરેટેડ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના દ્વારા સચોટ 'હ્યુમન કાઉન્ટિંગ' કરવામાં આવી રહી છે.
