Surat: સુરત જિલ્લાની કીમ પોલીસે એક વર્ષ જૂના અપહરણના ગુનાનો ભેદ ઉકેલી નાખવામાં મોટી સફળતા મેળવી છે. ગત વર્ષે ગુમ થયેલી 14 વર્ષીય સગીરાને પોલીસે છેક મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાંથી શોધી કાઢી છે. એક વર્ષના લાંબા અંતરાલ બાદ પુત્રી હેમખેમ પરત મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ 31 ડિસેમ્બર 2024ના રોજ કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 14 વર્ષીય સગીર બાળકી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. આ બાબતે બાળકીના વાલીએ કીમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો હતો. આ કેસની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ સચોટ કડી મળી શકી નહોતી.
પ્રાથમિક તપાસ દરમિયાન કીમ પોલીસને બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે, અપહૃત સગીરા મધ્ય પ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાના ખીલચીપુર તાલુકામાં છે. જેના આધારે કીમ પોલીસની એક ટીમ તાત્કાલિક મધ્ય પ્રદેશ રવાના થઈ હતી, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી દરોડો પાડીને પોલીસે સગીરાને શોધી કાઢી હતી.
આ ગુનામાં પોલીસે શંકાસ્દ આરોપી સૂરજ જગદીશલાલ બાધરીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને સુરત લાવવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સગીરાને તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી. એક વર્ષ બાદ પોતાની વહાલસોયી પુત્રીને જોઈને માતા-પિતા ભાવુક થઈ ગયા હતા અને કીમ પોલીસનો આભાર માન્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.
