Surat: સુરત જિલ્લામાં થર્ટી ફસ્ટને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ તેમજ બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસે માત્ર નશાખોરી જ નહીં, પરંતુ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરી હતી.
31મીની રાત્રે કોઈ અઘટિત ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં છે. ઓલપાડના મુલદ ગામના પાટિયા પાસે સ્ટેટ હાઈવે પર નાકાબંધી કરીને પોલીસે અહીંથી પસાર થતી રિક્ષા, બાઈક, મોપેડ, કાર અને ટેમ્પા જેવા તમામ વાહનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાહન ચાલકે દારૂનું સેવન કર્યું છે કે નહીં તે તપાસવા માટે પોલીસે 'બ્રેથ એનેલાઈઝર' મશીનનો ઉપયોગ કર્યો હતો.
આ ઉપરાંત પોલીસે માત્ર નશાખોરી જ નહીં, પરંતુ ટ્રાફિક નિયમોના ભંગ બદલ પણ કાર્યવાહી કરી હતી. લાયસન્સ વગર વાહન ચલાવતા કે અધૂરા ડોક્યુમેન્ટ ધરાવતા ચાલકોને સ્થળ પર જ મેમો ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરત જિલ્લામાં કડોદરાના બે હાઈવેના જંક્શન ઉપર પણ પોલીસ દ્વારા વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે કાયદો તોડી ઉજવણી કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. થર્ટી ફર્સ્ટ સાથે સંકળાયેલા તમામ કાર્યક્રમો પર પોલીસની કડક નજર રહેશે. જિલ્લામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
