Surat: ઈરાનના સતત મિસાઈલ મારા વચ્ચે પાલોદના યુવકે છેલ્લી ઘડીએ દુબઈ જવાનું માંડી વાળ્યું, સુરક્ષિત વતનમાં રોકાવાનો નિર્ણય લીધો

મોઈસ શેખ દુબઈમાં જે બિલ્ડિંગમાં રહેતો હતો, તે પોલીસે ખાલી કરાવી દીધી. હાલ સ્થિતિ તણાવપૂર્ણ હોવાથી મિત્રોની સલાહ બાદ વતનમાં રોકાવાનું મુનાસિબ માન્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Mar 2026 05:00 PM (IST)Updated: Sun, 01 Mar 2026 05:00 PM (IST)
surat-news-middle-east-crisis-youth-cancels-return-to-dubai
HIGHLIGHTS
  • દુબઈમાં રિયલ એસ્ટેટમાં નોકરી કરતો મોઈસ શેખ અઠવાડિયા પહેલા વતન પરત ફર્યો હતો

Surat: પશ્ચિમ-એશિયામાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વણસેલી યુદ્ધની પરિસ્થિતિએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી છે. ખાસ કરીને રોજગાર અને વ્યવસાય અર્થે દુબઈમાં સ્થાયી થયેલા ગુજરાતી સહિતના ભારતીયોમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ અસ્થિરતાની સીધી અસર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામના એક યુવક પર જોવા મળી છે, જેણે યુદ્ધની ગંભીરતાને જોતા હાલ પૂરતું દુબઈ પરત જવાનું મુકૂફ રાખ્યું છે.

દુબઈમાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામનો યુવક મોઈસ શેખ દુબઈમાં રિયલ એસ્ટેટમાં નોકરી કરે છે. જે થોડા સમય પહેલા જ વતન પરત આવ્યો હતો. નિર્ધારિત સમય મુજબ, તે બે દિવસમાં દુબઈ પરત ફરવાનો હતો. જો કે ગઈકાલે દુબઈ સ્થિત મોઈસની મિત્રો સાથે થયેલી વાતચીત બાદ તેણે પોતાનો પરત જવાનો નિર્ણય બદલ્યો છે.

મોઈસ શેખે જણાવ્યું કે, હાલ દુબઈમાં સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. દુબઈમાં જે તે બિલ્ડિંગમાં રહેતો હતો, તો સુરક્ષા કારણોસર આખુ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. યુદ્ધના વધતા જતાં ખતરાને ધ્યાનમાં રાખીને મેં હાલ વતનમાં જ રોકાઈ જવાનું મુનાસિબ માન્યું છે.

વધુમાં મોઈસ શેખે જણાવ્યું કે, હું છેલ્લા ત્રણ વર્ષથી દુબઈમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં નોકરી કરું છું અને અઠવાડિયા પહેલા હું વતન આવ્યો હતો. જો કે દુબઈ જવાના બે દિવસ પહેલા મને સમાચાર મળ્યા હતા કે, દુબઈ પર મિસાઈલથી હુમલો કરવામાં આવી રહ્યો છે.

આથી મેં મારા મિત્રો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, હાલ સ્થિતિ ખૂબ જ કફોડી હોવાથી બને ત્યાં સુધી આવવાનું ટાળજો. આપણે જે બિલ્ડિંગમાં રહેતા હતા, તેને પણ પોલીસે ખાલી કરાવી દીધી છે. આટલું જ નહીં, દુબઈની તમામ ફ્લાઈટો પણ રદ્દ કરી દેવામાં આવી છે.

અત્યારે અનેક ભારતીયો ધંધાર્થે દુબઈમાં સ્થાયી થયા છે, તો અનેક લોકો ફરવા ગયા છે. જેઓ દુબઈમાં ફસાઈ ગયા છે, તો મારી સરકારને અપીલ છે કે, જે લોકો સ્વદેશ પરત ફરવા માંગે છે, તેમના માટે સરકારે સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરવી જોઈએ.