Surat: સુરત શહેરની રાંદેર પોલીસની ટીમે તાડવાડી શાક માર્કેટમાંથી એક ઈસમને એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. જેની પાસેથી 53 હજારની કિંમતનું એમડી ડ્રગ્સ સહિત કુલ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બે ઈસમોને વૉન્ટેડ જાહેર કર્યાં છે.
રાંદેર પોલીસની ટીમે તાડવાડી શાકભાજી માર્કેટમાંથી આરોપી નઝીલ સરીદ સૈયદ (30)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 53,100 રૂપિયાની કિમંતનું 17.70 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું, આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 4880 એક બાઈક અને મોબાઈલ ફોન મળી કુલ 95,980 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસની તપાસમાં પકડાયેલા આરોપીને ડ્રગ્સનો જથ્થો ઉઝેફ શેખ અને શોયેબ નામના ઈસમોએ આપ્યો હતો. જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે. તેમજ પકડાયેલો આરોપી શાકભાજીની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. રાંદેર પોલીસની ટીમે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આરોપી અગાઉ પણ ડીસીબી પોલીસના હાથે NDPS એક્ટ હેઠળના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે.
ઉધના અને ઉત્રાણમાંથી ચાઈનીઝ દોરી સાથે 3ની ધરપકડ
એવામાં સુરતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ચાઇનીઝ દોરી સાથે 3 ઈસમો ઝડપાયા છે. જેમાં ઉધના પોલીસની ટીમે ઉધના ભાઠેના અમન સોસાયટી-01માં રેડ કરી ઘરના ઓટલા ઉપરથી રઈશ સોકત સોલંકી (27)ને ઝડપી પાડ્યો હતો, પોલીસે તેની પાસેથી 37,500 રૂપિયાની કિંમતની 125 નંગ ચાઇનીઝ દોરીના બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જયારે બીજા બનાવમાં ઉત્રાણ પોલીસની ટીમે મોટા વરાછા સુદામા ચોક સનસાઈન કોમ્પ્લેક્સ ખાતે આવેલી કૃષ્ણમ વોચ નામની દુકાનમાંથી ક્રીશ ભરતભાઈ ઠુમ્મર (19) અને કેયુર દીપકભાઈ ગોધાણી (21)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી 88 હજારની કિંમતના 1 હજાર મિટરના ચાઇનીઝ દોરીના 88 નંગ બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
