Surat: શહેરના ખટોદરા વિસ્તારમાં પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે પરિણીતાના પરિવારજનોએ તેમની દીકરીની હત્યા કરીને લાશ લટકાવી દીધી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખટોદરા વિસ્તારમાં રહેતી રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા (25)એ બપોરે 12 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ થતાં ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં પંચનામું કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી. બીજી તરફ મૃતકની બહેન અને પિતા દ્વારા તેના સાસુ, સસરા, ફોઈ અને કાકાઓ પર જાતિ વિષયક શબ્દો ઉચ્ચારીને માનસિક ટોર્ચર કરવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો છે.
આ મામલે મૃતકની બહેને રડતા-રડતા જણાવ્યું કે, આ લોકોએ મારી બહેન રીનાએ સ્યુસાઈડ નથી કર્યું. આ લોકોએ જબરદસ્તીથી મારી બહેનને મારીને લટકાવી દીધી છે. તેઓ મારી બહેનને જાતિ વિષયક અપશબ્દો બોલીને મેન્ટલી ટોર્ચર કરતા હતા.
તેના સાસરિયા મારી બહેનને રસોડામાં પણ જવા નહતાદેતા. દિવસના લાઈટ-પંખા પણ ચાલુ કરવા નહતા દેતા. ગઈકાલે રાતે 12 વાગ્યે આ બનાવ બન્યો અને અમને સાંજે સાડા પાંચ વાગ્યે જાણ કરી. મારી બહેન બહુ બહાદૂર હતી, તે 24 વર્ષની ઉંમરે આવું ના કરી શકે. અમારી એક જ માંગ છે, મારી બહેનને ન્યાય મળે અને તેના સાસરિયા વિરુદ્ધ એક્શન લેવામાં આવે.
બીજી તરફ મૃતકના પિતાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, રીનાના સાસરી પક્ષના લોકોએ તેને મારીને લટકાવી દીધી છે. અગાઉ રીનાની અમારા સમાજમાં જ સગાઈ કરવામાં આવી હતી. જો કે રીનાની ધવલ જરીવાલા સાથે આંખો મળી ગઈ હતી. આથી સમાજના યુવક સાથે સગાઈ તોડવા માટે રીનાએ દવા પીધી હતી. આખરે અમે સગાઈ તોડીને બે વર્ષ પહેલા જ ધવલ જરીવાલા સાથે તેના લગ્ન કરાવ્યા હતા. થોડા સમય પહેલા મારી દીકરીને ગર્ભ રહી જતા, તેની સાસુ અને ફોઈએ બાળક પણ પડાવી નાંખ્યું હતુ.
ધવલના માતા-પિતા, ભાઈ, કાકા અને બે ફોઈઓ મારી દીકરીને જાતિ વિષયક અપશબ્દો બોલીને ટોર્ચર કરતાં હતા. આમાં રીનાના પતિ ધવલનો કોઈ વાંક નથી. અમને જ્યારે જાણ કરવામાં આવી, તો અમે પહોંચ્યા ત્યારે રીનાની બૉડી નીચે ઉતારીને રાખી દીધી હતી અને દુપટ્ટો પણ ફાડી નાંખ્યો હતો. પોલીસ પહોંચે તે પહેલા જ તેના સાસરિયાઓએ રીનાના ફેસબુક, ઈન્સ્ટાગ્રામ ડિલિટ મારીને તમામ પુરાવાનો નાશ કરી દીધો હતો. હવે મારી દીકરીને ન્યાય મળવો જોઈએ.
