સુરતમાં દયા દાખવી ચોરને હોસ્પિટલ લઇ જનાર યુવકને કડવો અનુભવ, સિવિલમાંથી મોબાઇલ ચોરાયો

પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત ચોરની હાલત જોઈ પ્રદીપનું હૃદય પીગળી ગયું હતું. તેણે તેની સામે કોઈ પોલીસ ફરિયાદ કે કાયદેસરની કાર્યવાહી કરાવવાનો ઇનકાર કર્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 18 Nov 2026 02:56 PM (IST)Updated: Wed, 18 Nov 2026 02:56 PM (IST)
surat-news-man-who-helped-injured-thief-loses-mobile-phone-at-civil-hospital

Surat News: સુરતમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કહેવાય છે કે 'નેકી કર દરિયા મેં ડાલ', પરંતુ ભેસ્તાન વિસ્તારમાં બનેલી ઘટનામાં એક યુવકને પોતાની ભલાઈનું જાણે ઊલટું પરિણામ ભોગવવું પડ્યું છે. ચોરી કરવા ઘૂસેલા ઇજાગ્રસ્ત યુવક સામે પોલીસ ફરિયાદ કરવાને બદલે તેને માફ કરી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જનાર યુવકનો જ મોબાઈલ ફોન હોસ્પિટલમાંથી ચોરાઈ ગયો હતો. જેને બચાવવા માટે તે આગળ આવ્યો હતો, તેની મદદ કરવાના પ્રયાસમાં પોતે જ ચોરીનો ભોગ બનતાં યુવક નિરાશ થઈ ગયો હતો.

ભેસ્તાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો

મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ સચિન GIDC વિસ્તારમાં રહેતો 20 વર્ષીય પ્રદીપ સંતોષ પટેલ ફેબ્રિકેશનનું કામ કરે છે. રવિવારે વતનથી સુરત પરત ફર્યા બાદ સોમવાર, 16 નવેમ્બરના રોજ તે ભેસ્તાન પોલીસ મથકની હદમાં આવેલા ડાયમંડ મીની પાર્ક ખાતે કામ માટે ગયો હતો. કામ પૂરું થતાં મોડું થઈ જતાં પ્રદીપ અને તેનો મિત્ર શ્યામસિંગ ત્યાં જ રોકાઈને સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના અરસામાં એક અજાણ્યો યુવક ચોરીના ઇરાદે ત્યાં ઘૂસી આવ્યો હતો. તેણે બંને યુવકોના મોબાઈલ ફોન ચોરી બેગમાં પણ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઉંચાઇ પરથી પટકાતા પગમાં ઇજાઓ પહોંચી

આ દરમિયાન શ્યામસિંગની અચાનક ઊંઘ ઊડી જતાં તેણે બૂમાબૂમ શરૂ કરી હતી. પકડાઈ જવાના ડરથી ચોરે બંને મોબાઈલ સાથે પહેલા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. ઊંચાઈ પરથી નીચે પટકાતાં ચોરના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તે ત્યાંથી ભાગી શક્યો નહોતો. અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ચોરને પકડી લીધો હતો અને બાદ પોલીસના ઇમરજન્સી નંબર 112 પર જાણ કરી હતી. ત્યારબાદ ભેસ્તાન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

યુવક ઇજાગ્રસ્ત ચોરને હોસ્પિટલ લઇ ગયો

જોકે, પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત ચોરની હાલત જોઈ પ્રદીપનું હૃદય પીગળી ગયું હતું. તેણે તેની સામે કોઈ પોલીસ ફરિયાદ કે કાયદેસરની કાર્યવાહી કરાવવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, માનવતાના ધોરણે તેને તાત્કાલિક સારવાર મળે તે માટે પ્રદીપે 108 એમ્બ્યુલન્સની મદદથી તેને નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચાડ્યો હતો.

હોસ્પિટલમાંથી મદદે આવેલા યુવકનો ફોન ચોરાયો

પરંતુ આ ઘટનામાં સૌથી આશ્ચર્યજનક વળાંક ત્યારે આવ્યો, જ્યારે હોસ્પિટલમાં સારવારની પ્રક્રિયા ચાલી રહી હતી. જે યુવક ચોરને માફ કરીને મદદ માટે હોસ્પિટલ સુધી લઈ આવ્યો હતો, તેનો જ મોબાઈલ ફોન ઇમરજન્સી વિભાગમાંથી કોઈ અજાણ્યો ગઠિયો ચોરી ગયો હતો. બીજાની મુશ્કેલી જોઈને મદદ કરવા દોડી ગયેલા પ્રદીપને પોતે જ ચોરીનો ભોગ બનવું પડ્યું હતું.

પોતાની સાથે બનેલી આ ઘટનાથી પ્રદીપ ભારે નિરાશ થઈ ગયો હતો. એક તરફ ઇજાગ્રસ્ત યુવકને બચાવવા માટે તેણે માનવતા દાખવી હતી, તો બીજી તરફ હોસ્પિટલમાં જ પોતાનો કિંમતી મોબાઈલ ગુમાવવાનો વારો આવ્યો હતો. આખરે હતાશ થયેલો પ્રદીપ ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં જ છોડીને નિરાશ મનથી પોતાના ઘરે પરત ફર્યો હતો. આમ, બીજાનું ભલું કરવા ગયેલા યુવક સાથે જ ચોરીની ઘટના બનતાં આ કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.